ભાવનગરના શહેરીજનો માટે સારા સમાચાર: મહારાજાની દેણ એવા બોરતળાવ પાંચ વર્ષમાં ચોથી વખત છલકાયું..
- 10:10 pm July 27, 2023
ભાવનગર,
ભાવનગરના ઉપરવાસના વિસ્તારમાં સતત વરસાદને કારણે પાણી બોરતળાવમાં આવતા રાત્રે બોરતળાવ 43 ફુટે ઓવરફલો થઇ ગયું હતું. છેલ્લા પાંચ વર્ષમાં બોરતળાવ ચાર વખત છલકાયું છે. શેત્રુંજી ડેમ બાદ બોરતળાવ પણ છલકાતા ભાવનગર શહેર માટે પાણી પ્રશ્ને નિંરાત થઈ ગઇ છે. ભાવનગરમાં મેઘરાજાએ મહેર વરસાવતા અગાઉ શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો અને બાકી રહ્યું હતું તો હવે સતત વરસાદ વરસતા બોરતળાવના વિસ્તારમાંથી પણ ભીકડા થઈ બોરતળાવમાં આવક શરૂ થઇ ગઇ હતી. ધસમસતી આવકને કારણે કોર્પોરેશન દ્વારા આગમચેતીના પગલા પણ શરૂ કરી દીધા હતા. રાત્રે બોરતળાવની છલક સપાટી 43 ફુટને પણ પાણી પાર થઈ ગયું હતું. પાંચ વર્ષમાં ચોથી વખત બોરતળાવ છલકાતા ભાવેણાવાસીઓમાં પણ આનંદની લાગણી છવાઈ હતી.
આ બાબતને લઈને તંત્ર દ્વારા બોરતળાવના નીચાણવાળા વિસ્તારમાં કોઈ હરેફરે નહીં તે માટે માઈક સાથે રીક્ષાઓ ફેરવવામાં આવી હતી. રાત્રે બોરતળાવ છલકાતા બોરતળાવમાંથી પાણી વધુ પ્રમાણમાં છોડવામાં આવે તો માલેશ્રીના કાંઠાળ વિસ્તારો અને સેઢાવદર, ફરીયાદકા, વરતેજ, કમળેજ અને કરદેજના ગ્રામજનોને તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સાવચેત કરાયા હતા. જો કે બોરતળાવ છલકાતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા પણ ઊભી થઈ હતી. અનેક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા હોવાની માહિતી મળી હતી. આ સાથે બોરતળાવ છલકાઇ જતા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બોરતળાવ ખાતે નવા નીરના વધામણા કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ભાવેણા પર મેઘો ઓળઘોળ થયો હોય તેમ બપોર બાદ ફરી વરસાદનું મંડાણ
બપોર બાદ અચાનક જ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા
ભાવનગર શહેરમાં બપોર બાદ અચાનક ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું અને થોડીવારમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. જેમાં સુભાષનગર, કાળીયાબીડ, ઘોઘાસર્કલ, મેઘાણીસર્કલ, ક્રેસન્ટ, હલુરીયાચોક, ગંગાજળીયા તળાવ, જશોનાથ ચોક, પાનવાડી ચોક, વિજય ટોકીઝ રોડ, અલકા સિનેમા થઈ રેલ્વે સ્ટેશન રોડ, દાણાપીઠ, પ્રભુદાસ તળાવ કુંભારવાડા સહિત મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં એક ફૂટ થી વધુ પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, આમ, તંત્રની મોનસૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.