ડાંગ જિલ્લામાં વરસાદે પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી: સાપુતારા-આહવા રસ્તા ઉપર ભેખડો ધસી પડતાં તંત્ર દોડતું થયું
- 8:37 pm July 28, 2023
ડાંગ,
ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે. ત્યારે તંત્ર દ્વારા પ્રિ મોન્સુન કામગીરી તો કરવામાં આવી હતી. પરંતુ જ્યાં સાવચેતીના પગલાં લેવા જોઈએ ત્યાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોતી. બિન ઉપયોગી ખર્ચ કરીને તંત્રએ પ્રિ-મોન્સુનની કામગીરી કરી હતી. ત્યારે વરસાદ વરસતા તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી હતી.
ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યારે હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા બેધ્યાનપણાનું વલણ અપનાવવામાં આવેલ હોય તેમ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નહોતી. પરંતુ વરસાદ વરસતા સાપુતારા-આહવા રસ્તા ઉપર ભેખડો ધસી પડી છે. જેના પગલે આખરે તંત્ર દોડતું થયું હતું.
આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો ઘાટ સર્જાતો જોવા મળી રહ્યો છે. ભેખડો ધસી પડતાં મુસાફરો અને સ્થાનિક પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જે બાદ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પોતાની ટીમ લઈને ભેખડ ધસી પડેલ હોય તે માર્ગ પર ખડે પગે ઊભી રહી હતી. તેમજ વહીવટી તંત્ર પણ આ કામગીરીમાં જોતરાયું હતું. તંત્ર અને પોલીસની સંયુકત કામગીરીના પગલે રસ્તો મોકળો થયો હતો. ત્યારે વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.