સુરત એરપોર્ટ ઉપરથી દુબઈ રૂ.1.10 કરોડના રફ ડાયમંડ લઈ જતો એક પકડાયો
- 9:55 pm July 28, 2023
સુરત,
દુબઈથી સુરત લવાયેલું 25 કરોડ રૂપિયાનું સોનુ પકડાયાની ઘટના હજી તાજી જ છે ત્યાં સુરત એરપોર્ટ ઉપર બુધવારે રાત્રે રફ ડાયમંડ પકડાવાની વધુ એક ઘટનાએ સૌને ચોંકાવ્યા છે. અલબત્ત, આ વખતે 1.10 કરોડના રફ ડાયમંડ સુરતથી શારજાહ લઈ જવાનો પ્રયાસ હતો, તેને કસ્ટમ વિભાગે નિષ્ફળ બનાવ્યો હતો. ટ્રોલીબેગના હેન્ડલમાં સંતાડેલા 4910 કેરેટ નેચરલ રફ ડાયમંડ સાથે એક મુસાફરને પકડી પાડ્યો હતો.
સોનાની દાણચોરી માટે સુરત એરપોર્ટ કુખ્યાત તરીકે ચિતરાઇ ચૂક્યુ છે, ત્યારે સુરત એરપોર્ટ ઉપરથી હીરા પકડાવાની ઘટના પણ સામે આવી છે. કસ્ટમ વિભાગના સૂત્રોનું કહેવું હતું કે, અમારા અમદાવાદ એર ઇન્ટેલિજન્સ યુનિટે સાવચેત કર્યા હતાં કે, સુરતથી શારજાહ જતી ફ્લાઈટ ઉપર સર્વેલન્સ વધારવામાં આવે. એટલે, અઠવાડિયામાં ત્રણ વખત સુરતથી શારજાહ જતી ફ્લાઈટ બુધવારે રાત્રે તેના શિડ્યુલ ઉપર હતી. તેમાં બોર્ડિંગ કરવા જઈ રહેલા એક મુસાફરની શંકાસ્પદ હિલચાલને જોતા તેની અને તેના સામાનની ઝડતી લેવામાં આવી હતી. આ મુસાફર ડિપાર્ચર ગેટ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેના હેન્ડ લગેજ તરીકે લઈ જવાતી ટ્રોલી બેગની તપાસ કરી હતી. ટ્રોલી બેલના હેન્ડલના પોલાણવાળા ભાગમાં પ્લાસ્ટિકના પાઉચમાં લપેટેલા નેચરલ રફ ડાયમંડ મળી આવ્યા હતાં.કસ્ટમ વિભાગના વર્તુળોએ કહ્યું હતું કે, 4910.30 કેરેટ જેટલા માતબર રફ ડાયમંડના જથ્થા સાથે જતા મુસાફરની અટકાયત કરવામાં આવી છે. તેણે કોના માટે, ક્યાંથી અને ક્યાં આ ડાયમંડ લઈ જતો હતો. ભૂતકાળમાં કેટલીવાર આ રીતે હેરાફેરી કરી છે, તે તમામ વિગતો માટે તેની પૂછપરછ શરૂ કરી છે.