પાટણ જિલ્લાના વારાહીમાં ST ડેપોના અભાવે મુસાફરો રોડ પર ઉભા રહેવા મજબૂર
- 8:32 pm July 31, 2023
પાટણ,
6 મહિના અગાઉ જગ્યાનું નિરીક્ષણ કરાયું પણ આજદિન સુધી ડેપો બનાવાયું નથી
પાટણ જિલ્લાના વારાહીમાં ST ડેપોના અભાવે મુસાફરો રોડ પર ઉભા રહેવા મજબૂર બન્યા છે. છ મહિના અગાઉ ધારાસભ્ય અને એસટી કર્મચારીઓ દ્વારા જગ્યા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પણ માત્ર કાગળ ઉપર કરાયું છે. સાંતલપુર તાલુકાનું મુખ્ય મથક અને 15,000ની વસ્તી ધરાવતું વારાહી જ્યાં તાલુકા પંચાયત મામલતદાર કચેરી આવેલી છે અહીં તાલુકાના લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય છે ત્યારે તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં પણ વર્ષોથી એસટી ડેપોથી વંચિત છે ત્યારે લોકો ભારે પરેશાની નો સામનો કરી રહ્યા છે.
વારાહી કંડલા દિલ્હી નેશનલ હાઈવે ઉપર આવેલું છે આ ગામના લોકો વર્ષોથી એસટી ડેપોથી વંચિત છે. એસટી ડેપો ન હોવાને કારણે ઉનાળાની ગરમીમાં અને વરસતા વરસાદમાં મુસાફરોને હાઇવે પર આવેલી હોટલમાં આશરો લેવો પડતો હોય છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઇવે ઉપર આવતા તમામ નાના-મોટા ગામો ઉપર પીકઅપ સ્ટેન્ડ બનાવે છે. પણ વારાહીમાં એક પણ સાઈડમાં પીકઅપ સ્ટેન્ડ બનાવેલ નથી વારંવાર અખબારમાં સમાચાર પ્રસિદ્ધ થતા અને ગામ લોકોની રજૂઆતને લઈ 4 જાન્યુઆરીના રોજ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને એસટી નિગમના કર્મચારીઓ દ્વારા જગ્યાનુ નિરીક્ષણ કર્યું હતું. જેને આજે સાત મહિનાના સમય વીતી ગયા હોવા છતાં પણ કાર્યવાહી માત્ર કાગળ પર હોય તેમ દેખાઈ રહ્યું છે.
પાટણ જિલ્લાનાં વારાહીમાં એસટી ડેપો બનાવવા માટે આચાર્ય નિમેશકુમાર ભરતભાઈ ઠક્કર દ્વારા જમીન દાનમાં આપવાની પણ વાત કરી હતી. અને તે જગ્યાનું પણ નિરીક્ષણ કર્યું હતું ગામ લોકોની માંગ છે કે એસટી ડેપો સરકારી સર્કિટ હાઉસની જગ્યામાં બનાવવામાં આવે ધારાસભ્ય અને એસટી નિગમ દ્વારા સર્કિટ હાઉસની જગ્યા અને નિમેશભાઈની જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. તેને સાત મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આજથી ચાર મહિના અગાઉ પણ એસ.ટી નિગમના કર્મચારીઓ ગામથી દૂર એક કિલોમીટર એસટી ડેપો બનાવવા માટે પણ જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું એ પણ ગામ લોકોએ એસટી ડેપો સર્કિટ હાઉસની જગ્યામાં બનાવવાની રજૂઆત કરી હતી એસ.ટી ડેપો બનાવવા માટે સુધીર ઠક્કર દ્વારા પ્રધાનમંત્રી અને હર્ષ સંઘવીને પણ લેખિત રજૂઆત કરી છે.