G-20 એમ્પાવર સમિટ વુમન લેડ ડેવલપમેન્ટ-એન્સ્યુરિંગ સસ્ટેઈનેબલ ઇન્ક્લુઝિવ એન્ડ ઈક્વિટેબલ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ વિષયક દ્વિદિવસીય સેમિનારનો પ્રારંભ

  • 9:25 pm August 1, 2023

 

ગાંધીનગર,

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, સાતત્યપૂર્ણ અને સમાવેશી આર્થિક વિકાસ માટે મહિલા શક્તિની ભાગીદારી આવશ્યક છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ મહિલા સશક્તિકરણની દિશામાં એક નવો રાહ દેશ અને દુનિયાને બતાવ્યો છે.

મુખ્યમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G-20 એમ્પાવર સમિટ અન્વયે W-20 વુમન લેડ ડેવલપમેન્ટ, એન્સ્યુરિંગ સસ્ટેઈનેબલ - ઇનક્લુઝિવ એન્ડ ઈક્વિટેબલ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ વિષયક સેમિનારનો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. કેન્દ્રીય મહિલા-બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઇરાની, રાજ્યમંત્રી  ડોક્ટર મહેન્દ્ર મુંજાપરા, નીતિ આયોગના CEO  બી.વી.આર સુબ્રમણ્યમ સહિત કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ, G-20 ના સહભાગી દેશોના મહિલા પ્રતિનિધિઓ આ સેમીનારમાં ભાગ લઈ રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, ગુજરાતમાં વડાપ્રધાનના દિશા દર્શનમાં મહિલા શક્તિના સશક્તિકરણ અને સમગ્ર વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ૨૦૧૪માં જેન્ડર બજેટની પહેલ કરવાનું ગૌરવ પણ દેશભરમાં ગુજરાતે મેળવેલું છે એમ તેમણે કહ્યું હતું. રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ માટે સ્વાસ્થ્ય, સુરક્ષા અને શિક્ષા એમ ત્રિસ્તરીય વ્યૂહ અપનાવ્યો છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ૨૬ લાખ બહેનોને ૨૫ લાખ સખી મંડળો દ્વારા કરોડો રૂપિયાના કારોબાર સોંપ્યા છે તેની વિગતો તેમણે આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કન્યા શિક્ષણને જન આંદોલન બનાવવા શરૂ કરેલા કન્યા કેળવણી અભિયાનથી રાજ્યમાં કન્યા સાક્ષરતા દર ૭૦ ટકા અને નામાંકન દર ૯૦ ટકા જેટલો થયો છે તેમ પણ આ તકે જણાવ્યું હતુ. તેમણે એમ પણ ઉમેર્યું કે, મહિલાઓના વિકાસ થકી રાજ્યના વિકાસની વિભાવના સાથે મહિલા બાળ વિકાસ સંલગ્ન વિભાગોના બજેટમાં પાછલા વર્ષોની તુલનાએ ૪૨ ટકાનો વધારો આ વર્ષે કરવામાં આવ્યો છે. આ પ્રારંભ સત્ર વેળાએ G-20 એમ્પાવર KPI ડેશબોર્ડ, બેસ્ટ પ્રેક્ટિસિસ પ્લેબુક, G-20 એમ્પાવર કોમ્યુનિકી અને ટેક ઇક્વિટી ડિજિટલ ઇન્ક્લુઝન પ્લેટફોર્મ સહિતની પહેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.