પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પાસે ખંડણી માંગનારો યુવક મોરબીની બે હોટેલમાં રોકાયો હતો

  • 10:10 pm August 2, 2023
સુનિલ ગાંજાવાલા | સુરત

 

થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં ૩ અલગ અલગ વીડિયો વાઇરલ થયા હતા. જેમાં કથીત રીતે જિનેન્દ્ર શાહ નામના યુવક દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ મામલે સુરત ભાજપના એક કાર્યકર દ્વારા સુરત ડીસીબી પોલીસમાં આરોપી જિનેન્દ્ર શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને તેમાં સી.આર.પાટીલ પાસેથી રૂ.૮ કરોડની ખંડણીની માંગણી કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.જેને અનુસંધાને ૯ દિવસ પહેલા સુરત ડીસીબી પોલીસે આરોપી જીનેન્દ્ર શાહની અટક કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સુરત પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી જીનેન્દ્ર શાહ મોરબીની બે હોટેલમાં બનાવટી આધારકાર્ડ સાથે છુપાયો હતો. જેને પગલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ડીસીબી પોલીસ તરફથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી કે, મૂળ રાજકોટના સરધાર ગામના વતની અને હાલમાં ઘર નં.-બી/૪૩ દિપમાલ બંગ્લોઝ ઓલ્ડ કેડીલારોડ, ઘોડાસર, જગદિશ સોસાયટી, પાછળ અમદાવાદ હાલ રહે. ઘર નં- સી/૩૧ રાધા સ્વામી રો હાઉસ ચાણકીયપુરી ઘાટલોડીયા, અમદાવાદ ખાતે રહેતા જીનેન્દ્ર ભરતભાઇ શાહ નામના શખ્સે ભાજપ પાર્ટી ગુંડાઓની અને ભ્રષ્ટાચારીઓની પાર્ટી હોવાનું જણાવી ભા.જ.પા.ના નેતા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિરુદ્ધ અપમાનજનક અને બદનક્ષીકારક શબ્દનો ઉપયોગ કરી વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો. અને પોતે બીજા રાજકીય પાર્ટીઓના સંપર્કમાં હોય જેથી જીનેન્દ્ર શાહ દ્વારા આવા વધુ વિડીયો વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી રૂ. આઠ કરોડની ખંડણીની સી.આર.પાટીલ પાસેથી માંગણી કરી હતી. આ મુદે સુરત ડીસીબી પોલીસે તા.૨૫/૦૭/૨૦૨૩ ના રોજ આરોપી જીનેન્દ્ર ભરતભાઇ શાહની અટક કરી હતી. પોલીસની પુછપરછ દરમ્યાન આરોપીએ ગુનો આચરી પોતાની હાજરી છુપાવવા અને પોલીસથી બચવા માટે પોતાના ઓળખીતા આરોપી વિજયસિંહ રાજપૂતનો સંપર્ક કરી પોતે ગુનો કરેલ હોય અને પોતાને આશ્રય સ્થાનની જરૂરત હોય તેવું જણાવ્યુ હતું.જેથી આરોપી વિજયસિંહ રાજપૂતે તેના માટે નિલેશ નારણભાઇ પોશીયાના બનાવટી નામના આઇડી પ્રુફની વ્યવસ્થા કરી આપી હતી અને મોરબીની બે હોટેલમાં તેના માટે રહેણાકની વ્યવસ્થા કરી હતી. આ માહિતી મળતા જ મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમે તપાસ કરતાં સામે આવ્યું હતું કે, મોરબી શહેરના જેલ રોડ ઉપર આવેલ હોટલ જે.કે. તથા શનાળારોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે આરોપી જીનેન્દ્ર ભરતભાઇ શાહ છુપાયો હતો. જેમાં તા.૨૯/૦૬/૨૦૨૩ થી તા.૧૦/૦૭/૨૦૨૩ સુધી આરોપી વિજયસિંહ રાજપુતના કહેવા મુજબ આરોપી જીનેન્દ્રએ નિલેશ નારણભાઇ પોશીયાના નામના બનાવટી આધારકાર્ડનો ઉપયોગ કર્યો હતો અને નિલેશ પોશીયાના નામથી હોટલ જે.કે. ખાતે તા.૨૯/૦૬/૨૦૨૩ થી તા.૧૦/૦૭/૨૦૨૩ સુધી રોકાયો હતો. જે અંગે હોટેલ જે.કે.માં આરોપી જીનેન્દ્રનું બનાવટી આધારકાર્ડ મળી આવ્યું હતી અને નિલેશ પોશીયાના નામની બનાવટી સહી પણ હોટેલના રજીસ્ટ્રરમાં મળી આવી હતી

આ સાથે મહેશ હોટલમાં પણ ત્રીજા માળે રૂમ નં.૨૨૨ ખાતે આરોપી જીનેન્દ્રએ નિલેશ નારણભાઇ પોશીયાના નામથી તા. ૧૩/૦૭/૨૦૨૩ થી રૂમબુક કરાવ્યો હતો અને બનાવટી આધારકાર્ડનો ઉપયોગ કરી રોકાયો હોવાનું ખૂલ્યું હતું. બન્ને હોટલોના રજીસ્ટ્રરોમાં આ બનાવટી આઇડીપ્રુફ અને નિલેશ પોશીયાના નામની ખોટી સહી કરી ૧૫ દિવસ સુધી રોકાયો હોવાનું પોલીસ તપાસમાં ફલિત થયું હતું. જેથી પોલીસે આરોપી જીનેન્દ્ર ભરતભાઇ શાહ અને વિજયસિંહ રજપૂત અને આગળ તપાસમાં ખૂલે તે આરોપીઑ વિરુદ્ધ ઇ.પી.કો.ક.૨૧૨,૪૧૯,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦ બી,૩૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ.દેકાવાડીયા ચલાવી રહ્યા છે.