‘’મારી માટી, મારો દેશ’’ થીમ અંતર્ગત થનાર ઉજવણીનાં અનુસંધાને પાટણ જિલ્લા સેવા સદન ખાતે બેઠક મળી
- 7:04 pm August 5, 2023
પાટણ,
આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે આ વર્ષની ઉજવણીની થીમ ‘’મારી માટી, મારો દેશ’’ રાખવામાં આવી છે. જેને અનુલક્ષીને જિલ્લા સેવા સદન ખાતે પદાધિકારી-અધિકારીઓની હાજરીમાં બેઠક મળી હતી. બેઠકમાં દરેક અધિકારીઓને કેમ્પેઈન અંતર્ગત કરવાની થતી કામગીરીની પીપીટી પ્રેઝન્ટેશન મારફતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ વર્ષે તા.9 મી ઓગષ્ટથી સમગ્ર મહિનો ‘’મારી માટી,મારો દેશ’’ અતર્ગત ‘’માટીને વંદન, વીરોને વંદન’’ ટેગલાઈન સાથે સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. તા.9 થી 15 ઓગષ્ટ સુધી પંચાયત કક્ષાએ કાર્યક્રમો કરવામાં આવશે. તા.12 થી 20 ઓગષ્ટ સુધી તાલુકા કક્ષાએ, ત્યારબાદ અંતિમ કાર્યક્રમ તા.30 ઓગષ્ટના દિલ્હી ખાતે કર્તવ્યપથ પર યોજાશે.
પાટણ જિલ્લાની 486 ગ્રામપંચાયતો પર ઉજવણી થશે. તેમજ જિલ્લાનાં 9 તાલુકામાં ઉજવણી કરવામાં આવશે. જિલ્લામાં હાલમાં શીલાફલકમ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જે તા.07 ઓગષ્ટ સુધી પુર્ણ થઈ જશે. નગરપાલિકાની વાત કરીએ તો તા. 11 ઓગષ્ટએ સિદ્ધપુર અને હારીજમાં કાર્યક્રમ થશે. તા. 15 મી એ પાટણ, 19 ઓગષ્ટનાં રાધનપુર તેમજ 18 ઓગષ્ટનાં ચાણસ્મા મુકામે કાર્યક્રમો યોજાશે. પાટણ જિલ્લાની દરેક કોલેજ, શાળાઓ, સંસ્થાઓ દરેક જગ્યાએ ‘’મારી માટી, મારો દેશ’’ કેમ્પેઈન અંતર્ગત ઉજવણી કરવામાં આવશે.