જેતલસર સગીરા હત્યા કેસ: આરોપી જયેશ સરવૈયાને જેતપુર સેસન્સ કોર્ટે મૃત્યુ દંડની સજા ફટકારી..

  • 8:10 pm March 13, 2023
સુરેશ ભાલીયા

 

હત્યા પ્રયાસમાં 10 વર્ષ સજા અને 5000 દંડ...

પોકસો કેસમાં 3 વર્ષની સજા અને 2500 રૂપિયા દંડ એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ આર. આર. ચૌધરીએ ચુકાદો આપ્યો.

જેતપુરના જેતલસર સહિત સમગ્ર ગુજરાત ભરમાં ચકચાર મચાવનારા સગીરા હત્યા કેસમાં આખરે આરોપી જયેશ ગિરધર સરવૈયાને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે. જેતપુર સેશન્સ કોર્ટના જજ આર આર ચૌધરી દ્વારા આરોપી જયેશ ગીરધર સરવૈયાને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. પાંચ દિવસ પૂર્વે આરોપીને નામદાર કોર્ટ દ્વારા દોષિત ઠહેરાવવામાં આવ્યો હતો. દીકરીના પરિવારજનોએ કહ્યું ન્યાયતંત્ર દ્વારા અમને ન્યાય આપવામાં આવ્યો છે તો વકીલે કહ્યું રેર ઓફ ધ રેર કેસમાં દાખલા રૂપ સજા ફટકારવામાં આવી...

આજરોજ કોર્ટ સંકુલ ખાતે સગીરાના માતા પિતા તેમજ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર સહિત અન્ય પરિજનો આવ્યા હતા. આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં સગીરાની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તો બીજી તરફ હત્યા કેસના ફરિયાદી અને સગીરાના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં આરોપીને ફાંસીની જ સજા મળવી જોઈએ તે પ્રકારની માંગ કરી હતી. સમગ્ર મામલે આરોપી દ્વારા જે તે સમયે સગીરાના ભાઇને પાંચ જેટલા છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. તેણે પણ મીડિયા સાથેની વાતચીતમાં કઈ રીતે 16 માર્ચના રોજ બનાવો બન્યો હતો તેની આપવીતી જણાવી હતી. સગીરાના પરિવારજનો એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમને ન્યાય મળ્યો છે અને આવતા દિવસોમાં બીજી દીકરીઓ સાથે આવું ન બને તે માટે દાખલા રૂપ સજા ફટકારવામાં આવી છે..

કોર્ટ દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવી

જેતપુર સેશન્સ કોર્ટના આર.આર.ચૌધરી સાહેબની કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા આરોપીને પૂછવામાં આવ્યું હતું કે, તે કેટલું ભણેલો છે? તે છેલ્લા છ વર્ષમાં કઈ કઈ જગ્યાએ શું કામ કરતો હતો? તેમજ આરોપીના પિતા શું કામ કરે છે, કઈ જગ્યાએ કામ કરે છે? આરોપીના પિતા પાસે ખેતીલાયક જમીન છે કે કેમ તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરી હતી. ત્યારબાદ અંદાજિત 6: વાગ્યા આસપાસ કોર્ટ દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવી હતી.

16 માર્ચ 2021 ના રોજ જેતલસર ગામે ધોરણ 11 માં અભ્યાસ કરનારી સગીરાને જયેશ ગીરધર સરવૈયા નામના વ્યક્તિ દ્વારા છરીના 34 જેટલા ઘા ઝીંકવામાં આવ્યા હતા. તો સાથે જ સગીરાના ભાઇને પણ છરીના પાંચ જેટલા ઘા ઝીંકવામાં આવતા તે ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી નીકળ્યો હતો. જેના કારણે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.સગીરાની હત્યા કર્યા બાદ જયેશ ગીરધર સરવૈયા લોહીવાળા કપડાં તેમજ હત્યા કરેલી છરી સાથે ભર બજારેથી નીકળ્યો હતો.

સગીરાની હત્યા થતા જે તે સમયે આ કેસ ન માત્ર રાજકોટ જિલ્લામાં પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ ચકચારી બન્યો હતો. ગુજરાતના અનેક શહેરોમાં હત્યા કેસ મામલે તંત્રને આવેદનપત્ર આપી કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં તેમજ આરોપીને કડકમાં કડક સજા આપવાની માગણી પણ કરવામાં આવી હતી. જે તે સમયે પીડિત પરિવારજનોની જે તે સમયે કોંગ્રેસમાં રહેલા હાર્દિક પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સહિતનાઓએ મુલાકાત લીધી હતી. તો સાથે જ જે તે સમયે ગુજરાતના કેબિનેટ મંત્રી રહેલા અને હાલ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ કહ્યું હતું કે મારી દીકરી સાથે ઘટના ઘટીત થઈ હોય તે પ્રકારે આ કેસ ચલાવવામાં આવશે. તો સમગ્ર મામલે જયેશ રાદડિયા દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી.

કોર્ટમાં સ્પે.પીપી જનક પટેલે શું કહ્યું

સમગ્ર કેસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે જનક પટેલની નિમણૂક કરવામાં આવી હતી. જનક પટેલ જે તે સમયે એક તબીબની જુબાની લેવડાવી હતી. જે જુબાની અંતર્ગત કોર્ટ સમક્ષ જનક પટેલે સાબિત કરી બતાવ્યું હતું કે, સગીરાને મારવામાં આવેલ એક એક છરીનો ઘા એક એક માનવનું મૃત્યુ નીપજાવવા માટે સક્ષમ છે. આમ જયેશ ગીરધર સરવૈયા દ્વારા માત્ર એક મનુષ્યનો વધ કરવામાં આવ્યું છે પરંતુ 34 મનુષ્યના વધ કરવામાં આવ્યા હોય તે પ્રકારની ઘટનાને તેને અંજામ આપ્યો છે. આરોપી દ્વારા મૃતક માટે કોઈપણ પ્રકારની સહાનુભૂતિ દર્શાવવામાં નથી આવી. સગીરાને છરીના ઘા ઝીંકવામાં આવતા તે જમીન પર નીચે પડી ગઈ હતી. ત્યારબાદ પણ જયેશ ગિરધર સરવૈયા દ્વારા સગીરાને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. આરોપી દ્વારા સગીરા જ્યારે સ્કૂલે જતી હતી ત્યારે તેનો પીછો કરવામાં આવતો હતો. આરોપી દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલ છરી ચોટીલાની મહાકાળી દુકાનમાંથી ખરીદ કરવામાં આવી હતી. જે છરી હત્યાના બનાવના 12 દિવસ અગાઉથી ખરીદ કરવામાં આવી હતી. આમ આરોપી દ્વારા હત્યા કરવા માટે તમામ પ્રકારનું પ્લાનિંગ તેમજ જરૂરી સંસાધન એકત્રિત કરવામાં આવ્યા હોવાનું કોર્ટ સમક્ષ પુરવાર કરવામાં આવ્યું હતું. આરોપી અગાઉ 326 ના કામે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જેથી તે વાત પણ સાબિત થાય છે કે આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે.

કોર્ટે કઈ કલમમાં કઈ સજા કરી ?

જેતપુરની સેશન કોર્ટમાં આજે ફાંસીના ચુકાદામાં કઈ કલમ હેઠળ કેટલી સજા કરવામાં આવી તેવા પ્રશ્નના ઉત્તરમાં એડવોકેટ જનક પટેલે જણાવ્યું હતું કે, જેતપુરમાં ફાંસીની સાંજનો પ્રથમ કેસ હોવાથી અમોને સંતોષ છે. કોર્ટે પ્રજાના હિતનું ખરા અર્થમાં રક્ષણ કર્યું છે. જેમ ગાર્ડીયન તરીકે સુપ્રીમ કોર્ટ સમયાંતરે ચુકાદા આપે છે તેમ જેતપુરની સેશન્સ કોર્ટ જેતલસરની સગીરાનાના પરિવારજનો માટે ગાર્ડીયન બની છે. સજા બાબતે તેઓએ જણાવેલ કે, સૃષ્ટિની હત્યાના આરોપી જયેશ ગિરધર સરવૈયાને આઇપીસી  302 માં ફાંસી અને રૂ.5 હજાર દંડ, આઇપીસી  449માં 5 વર્ષની સજા અને રૂ.5 હજારનો દંડ, ગુજરાત પોલીસ કલમ 135 અન્વયે 1 માસની સજા રૂ.500નો દંડ. પોકસો એક્ટ અન્વયે 3 વર્ષની સજા અને રૂ.2500 દંડ ફટકાર્યો છે. 

દીકરીના પરિવારજનોને ન્યાય મળ્યાનો રાજીપો, પણ દીકરી ખોયાનો વસવસો 

આજે કોર્ટમાં પોતાની દીકરીની હત્યાના આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી ત્યારે મૃતક સગીરાના માતા-પિતા, સ્વજનો અને ગામના મોટા રાજકીય, બિનરાજ્કીય લોકોએ કહ્યું હતું કે, સૃષ્ટિના હત્યારાને ફાંસી મળી તે ન્યાયિક અને રાજીપો થાય તેવી સજા અને વાત છે પણ સમસ્ત ગામે એક દીકરી ખોયાનો રંજ, વસવસો કાયમ રહેશે.

જેતપુર કોર્ટે ઉદાહરણરૂપ ચૂકાદો સંભળાવ્યો

જનક પટેલે નામદાર કોર્ટ સમક્ષ ત્યાં સુધી કહ્યું કે, જો આરોપીને આજીવન કેદની સજા પણ આપવામાં આવે અને ભવિષ્ય માટે પેરોલ પર બહાર આવે તો માનવ સૃષ્ટિ માટે જોખમકારક સાબિત થઈ શકે તેમ છે. કારણ કે આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે. આ સંજોગોમાં તેને ફાંસી જ મળવી જરૂરી છે.. સ્પેશિયલ પીપી જનક ભાઈ પટેલે પણ ન્યાયતંત્ર નો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે જેતપુર કોર્ટે ઉદાહરણરૂપ આજે ચુકાદો સંભળાવ્યો છે..