પાટણ જિલ્લામાં ધોરણ-૧૦ (SSC) અને ધોરણ- ૧૨ (HSC) ની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ..

  • 6:14 pm March 14, 2023
જે પી વ્યાસ, પાટણ

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC)  અને ધોરણ-૧૨ (HSC) ની બોર્ડની પરીક્ષાઓનો પાટણ જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. સવારે ધો.10 અને બપોરે ધો.12 બોર્ડની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે શાળાઓમાં આવી પહોચ્યા હતા. વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે માટે વાલીઓની સાથે-સાથે જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટી પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શેઠ બી.એમ.હાઈસ્કૂલે પહોંચ્યા હતા. કલેક્ટરએ વિદ્યાર્થીઓને કુમ-કુમ તિલક કરીને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી.

પાટણ જિલ્લામાં ધો.10 ના 22 પરીક્ષા કેન્દ્રો પર 20560 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે, તેમજ ધો.12 સામાન્ય પ્રવાહના 14 પરીક્ષા કેન્દ્રો પર 12487 અને વિજ્ઞાન પ્રવાહના 4 પરીક્ષા કેન્દ્રો પર 2201 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લામાં એસ.એસ.સી પરીક્ષાના 02 ઝોન, એચ.એસ.સી. પરીક્ષા સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહના 01 ઝોનની રચના કરવામાં આવી છે. જિલ્લામાં પરીક્ષા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે સરકારી કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ખાસ જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમ સવારના 7.00 થી રાત્રીના 8.00 વાગ્યા સુધી કાર્યરત રહેશે.

શેઠ બી.એમ. હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા આપવા માટે પહોચેલા જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીએ જણાવ્યું હતુ કે, પાટણ જિલ્લામાં ધો.10 અને 12ની પરીક્ષાઓ યોગ્ય વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓ નિર્ભયતા અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર કટીબદ્ધ છે. સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને કોઇ પણ પ્રકારની સમસ્યા ન ઉદભવે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્વક તેમજ નિર્ભયતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છાઓ.

શેઠ બી.એમ. હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટી સાથે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરી, શાળાના પ્રિન્સીપાલ ભાવનાબેન સી.પટેલ તેમજ શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.