હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તા.૧૫ માર્ચથી તા.૧૯ માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી..

  • 4:57 pm March 15, 2023

 

 

- ફાઇલ તસ્વીર

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ

હવામાન વિભાગ દ્વારા આગામી તા.૧૬ માર્ચથી તા.૧૮ માર્ચ સુધી ભાવનગરમાં માવઠાની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તા.૧૫ માર્ચથી તા.૧૯ માર્ચ દરમિયાન અશાન્ત: વાદળછાયું રહેવાનું અને છુટા છવાયા જગ્યાએ હળવા વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ, સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં પણ થશે કમોસમી વરસાદ. હવામાન વિભાગ દ્વારા આગામી તા.૧૬ માર્ચ થી તા.૧૮ માર્ચ સુધી ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા જિલ્લાના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે કે, કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/ તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું  અને ઢગલા ની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુતમિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્‍લા ખેતીવાડી અધિકારી, જિલ્‍લા પંચાયત, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.