માત્ર સાડા ત્રણ વર્ષના બાળક માટે સંજીવની બન્યો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ..

  • 6:37 pm March 16, 2023
જે.પી. વ્યાસ, પાટણ

 

પાટણના શ્રવણનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એનોપ્લાસ્ટીનું નિ:શુલ્ક સફળ ઓપરેશન

‘’સરકારના સહકાર થકી જ અમારા જેવા ગરીબ માણસો સ્વમાનભેર જીવન જીવી શકે છે’’: શ્રવણના પિતા

‘’શ્રવણના જન્મ સાથે જ અમારી ચિંતા શરૂ થઈ ગઈ. તેને શરુઆતમાં મળત્યાગ કરવામાં તકલીફ પડી ત્યારે લાગ્યુ કે આ તકલીફ સામાન્ય છે. પરંતુ જયારે જુદા જુદા દવાખાને તપાસ કરાવી ત્યારે ખબર પડી કે મારા બાળકને ઈમ્પરફોરેટેડ એનસ છે. (ઈમ્પરફોરેટેડ એનસ એટલે મળત્યાગ બંધ થઈ જવો. આ બિમારીમાં વ્યક્તિ જે કઈ ખોરાક લે તે શરીરમાં જમા થઈ જાય છે અને સમય જતાં ઈન્ફેક્શન થવાથી શરીરમાં ઝેર પ્રસરી જાય છે.પરિણામે વ્યક્તિ મૃત્યુના મુખમાં પણ ધકેલાઈ શકે છે. ) આ વાતની ખબર પડતા જ અમારી ઉપર ચિંતાના વાદળો છવાઈ ગયા. ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા પરંતુ ઑપરેશન અને દવાઓના ખર્ચોઓને કેવી રીતે પહોંચી વળવુ!. હવે જીવથીય વ્હાલા દિકરાની સારવારના પૈસા ક્યાંથી લાવવા?’’ આ શબ્દો છે, પાટણના દિપેશજી ઠાકોરના. નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા કોઈ પણ પરિવારમાં આવા શબ્દો સામાન્ય છે. પરંતુ નાગરિક તરીકે સરકાર પરનો અતૂટ વિશ્વાસ તેમના માટે આશાનું કિરણ સાબિત થયું.

રાજ્ય સરકાર દ્વારા બાળકો માટેની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મ યોજના અંતર્ગત રાજ્યના નવજાત શીશુ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધોરણ-૧ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શાળાએ ન જતા ૧૮ વર્ષ સુધીના બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમના બાળકોની “4D” પ્રમાણે આરોગ્ય તપાસ અને સારવાર નિયમીત રીતે ડેડીકેટેડ મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા કરવામાં આવે છે. પાટણના શ્રવણની શારિરીક સમસ્યાના નિવારણ માટે શરૂઆતમાં દિપેશજી ઠાકોરે પાટણ શહેરના સ્થાનિક પીડિયાટ્રીશિયન પાસે સારવાર કરાવી હતી. બાળકના મેડિકલ રિપોર્ટ્સ પરથી ડૉક્ટરે ઑપરેશન કરાવવાની સલાહ આપી. સારવારનો ખર્ચ કરવા માટે અસમર્થ દિપેશજીએ સૌ પ્રથમ સામુહિક આરોગ્ય કેન્દ્ર ,ચાણસ્મા ખાતે આર.બી.એસ.કે ડેડીકેટેડ મોબાઇલ હેલ્થ ટીમના ડો.કલ્પેશ નાયી અને ડો.બિનલ પટેલ પાસે તપાસ કરાવી.

શ્રવણની વારંવાર તપાસના અંતે તેને ઈમ્પરફોરેટેડ એનસ હોવાનું જાણવા મળ્યું. તેથી શ્રવણને સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાણસ્માથી જી.એમ.આર.એસ. ધારપુર ખાતે રીફર કરવામાં આવ્યુ. જી.એમ.આર.એસ. ધારપુર ખાતે બાળકની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રવણનું પી.એમ.જે.એ.વાય. કાર્ડ ઈશ્યુ કરાવી જયદીપ હોસ્પિટલ, અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યું. બાળકનું વજન અને હિમોગ્લોબીન ઓછું જણાતા બાળકને દવા આપવામા આવી હતી અને તા.૦૨/૦૬/૨૦૨૨ ના રોજ જયદીપ હોસ્પિટલ, અમદાવાદ ખાતે બાળકની રી-કોલોસ્ટોમી સર્જરી કરવામાં આવી. ત્યારબાદ બાળકને સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે રીફર કરવામા આવ્યું. તા.૩૧/૦૭/૨૦૨૨ના રોજ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે બાળકની કોલોસ્ટોમી સર્જરી કરવામા આવી. ત્યાર બાદ બાળકને જરૂરી દવા આપી રજા આપવામાં આવી. કોલોસ્ટોમી સર્જરી બાદ તા.૨૫/૦૧/૨૦૨૩ ના પી.એમ.જે.એ.વાય. કાર્ડ અંતર્ગત જયદીપ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ડો.જયુલ કામદાર દ્વારા બાળકનું એનોપ્લાસ્ટીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. હાલમાં શ્રવણ પોતાના માતા-પિતા પાસે એકદમ સ્વસ્થ છે.

સરકાર પ્રત્યે ધન્યવાદની લાગણી વ્યક્ત કરતા દિપેશજી ઠાકોર જણાવે છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ ધન્યવાદ. વડાપ્રધાનએ અમારા જેવા ગરીબ લોકો માટે આવી યોજના અમલમાં મુકી. આ યોજના થકી આજે અમે અમારા આ શ્રવણને લાડ લડાવી શકીએ છીએ. સરકાર સાથે આશાબેન નીરૂજી તથા ડૉ કલ્પેશભાઈએ અમોને માર્ગદર્શન આપ્યું, તે બદલ તેઓનો પણ આભાર માનીએ છીએ. આજે સરકારના સહકારથી જ અમે ગરીબ માણસો સ્વમાન સાથે જીવન જીવી શકીએ છીએ.