પાટણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલની જિલ્લાકક્ષા સમિતીની બેઠક મળી..

  • 6:55 pm March 16, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલની જિલ્લાકક્ષા સમિતીની બેઠક મળી હતી. SDGમાં ભૌતિક વિકાસની સાથે સાથે સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય તે હેતુથી નિરંતર વિકાસના 17 ગોલને અમલમાં મુકવામાં આવ્યા છે. આ ગોલ (લક્ષ્ય) ને ધ્યાનમાં રાખીને આજે મળેલી બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.સુથાર દ્વારા સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલની સમજ આપવામાં આવી હતી. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના 17 ગોલની મુખ્ય બાબતોની વાત કરીએ તો, ગરીબી નાબૂદ કરવી, ભૂખમરો ઘટાડવો, ખાદ્ય સુરક્ષા અને પોષણ સુધારવું, તેમજ ટકાઉ કૃષિ વિકાસ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ બાબતોની વિસ્તૃત ચર્ચા આજની બેઠકમાં કરવામાં આવી હતી.

રાજ્યમાં SDGs નું લોકલાઈઝેશન થઈ શકે તે માટે જિલ્લામાં SDGsના મોનિટરીંગ માટે G-SWIFT પોર્ટલ પર DISTRICT INDICATOR FRAMEWORK(DIF) તરીકે 126 ઈન્ડીકેટર્સને નિયમિત અપડેટ કરવામાં આવે છે. જેના આધારે રાજ્ય અને દરેક જિલ્લાનો સ્કોર નક્કી કરવામાં આવે છે અને તે મુજબ જિલ્લાઓનું રેન્કીંગ કરવામાં આવે છે. આજની બેઠકમાં પોર્ટલ પરના ડેટાને આધારે તૈયાર કરેલ પાટણ જિલ્લાના DISTRICT SDG REPORT 2.0ની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યના પર્ફોમન્સ (પ્રદર્શન) કરતા નબળુ પ્રદર્શન ધરાવતા નિર્દેશકોની હાલની પરિસ્થિતી શું છે અને તેમાં કઈ રીતે સુધારો કરી શકાય તેમજ તે અંગેના નબળા પ્રદર્શનના કારણો સાથેની ઉંડાણપૂર્વક ચર્ચા જિલ્લા કલેક્ટરએ સબંધિત વિભાગના અધિકારી સાથે કરી હતી.

જિલ્લા કલેક્ટર સુપ્રિતસીઁઘ ગુલાટીએ જણાવ્યું હતુ કે, વર્ષ-2030 સુધીમાં સમાન, ન્યાયી અને સુરક્ષિત વિશ્વ બનાવવા માટે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના 17 ગોલના તમામ પરિમાણોને હાંસલ કરવા એ એક મજબૂત અને સાર્વત્રિક કરાર છે. નિરંતર વિકાસના ધ્યેયો લોકો માટે વધુ સારા અને ટકાઉ ભવિષ્યને હાંસલ કરવા માટેનું આયોજન છે. કલેક્ટરએ દરેક અમલીકરણ અધિકારીઓને પુઅર પર્ફોમન્સ (નબળુ પ્રદર્શન) ધરાવતા નિર્દેશકોનો સુધારો કરવા માટે સરકારની યોજનાઓનું સઘન અમલીકરણ કરવા અને યોજનાઓને 126 નિર્દેશકો સાથે મેપ કરીને નિયમિત મોનીટરીંગ કરવા અને ટાર્ગેટ નિયત કરી એક્શન પ્લાન તૈયાર કરવા સુચના આપી હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.સુથાર તેમજ વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.