ગઢડા(સ્વામીના) પંથકમાં કાશ્મીરી માહોલ: કરા સાથે વરસાદની ધડબડાટીએ કૌતુક સર્જ્યું..
- 7:36 pm March 16, 2023
ગઢડા(સ્વામીના) પંથકમાં સાંજે ચાર વાગ્યા પછી ભર ઉનાળે વાતાવરણ બદલાતા એકાએક ઠંડા માહોલ વચ્ચે ચોમાસુ સર્જાયુ હતુ. આ વરસાદ સાથે મોટા પ્રમાણમાં કરા પણ પડતા કેટલાક રસ્તાઓ ઉપર બરફની ચાદર છવાઇ ગઇ હતી.
આ દરમિયાન ગઢડા શહેર ઉપરાંત સમગ્ર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ બરફ વર્ષા શરૂ થતા ભારે ગાજવીજ અને પવન સાથે બરફના કરા સાથે વરસાદે ધબધબાટી બોલાવતા લોકો નવાઈ પામી ગયા હતા. તેમજ બરફના મોટા કરા પડવાથી ભારે અવાજ શરૂ થતા ઘરમાં રહેલા લોકો અચાનક શું થયું જાણવા બહાર દોડી આવ્યા હતા. ઘણા વર્ષો બાદ બરફના કરા સાથે જોરદાર વરસાદ થતા ઘરબેઠા કાશ્મીરનો અનુભવ થતા બાળકો સહિતને કુદરતના રૂપના પરિચય સાથે કૌતુક મોજ થવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, કમોસમી માવઠાના પગલે લોકો એ.સી., પંખા વાપરવા કે સ્વેટર પહેરવુ એવી મુંઝવણ વચ્ચે ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી હતી.