સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૨૮૦ ખેલાડીને તાલીમ અપાઈ; છેલ્લાં બે વર્ષમાં ૨.૮૨ કરોડનો ખર્ચ કરાયો..
- 6:34 pm March 17, 2023
હાલ ગુજરાત વિધાનસભાનું બીજું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત તાલીમ મેળવનારા ખેલાડીઓની વિગતો રજૂ કરવામાં આવી હતી. જે મુજબ તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ પંચમહાલ જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત એક શાળા આવેલી છે. જેમાં કુલ ૨૮૦ ખેલાડીઓએ આ યોજનાનો લાભ લીધો છે તેમજ આ માટે છેલ્લાં બે વર્ષમાં ખેલાડીઓ પાછળ કુલ રૂ.૨ કરોડ ૮૨ લાખ ૬૦ હજાર ૫૧૯નો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ખેલાડીઓને તેમની પસંદગીની રમતમાં યોગ્ય તાલીમ મળી રહે અને ભવિષ્યમાં તેઓ દેશ-વિદેશમાં રાજ્યનું નામ ઝળકાવી શકે એ માટે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પબ્લિક - પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરિતાર્થ કરવા રાજ્યમાં સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં પસંદ થયેલા ખેલાડીઓને સવાર-સાંજ ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે તેમજ શાળામાં ભણતાં બાળકોને ઇનસ્કૂલ પ્રોગ્રામ હેઠળ તજજ્ઞો દ્વારા વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવામાં આવે છે.