સુરત: બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! સુરત પોલીસ એક કિમી દૂર સ્પીડ ગનથી પકડી પાડશે..

  • 7:12 pm March 18, 2023

 

 

શહેરમાં ઓવર સ્પીડમા હંકારતા કારચાલકો અને બાઈક ચાલકો પર નજર રાખવા માટે હવે સુરત પોલીસ સ્પીડ ગનનો સહારો લેશે. શહેરમાં અનેકવાર ઓવર સ્પીડ વાહનોને કારણે અકસ્માત થવાના અને અકસ્માતમાં મોત થવાના બનાવો બનતા હોય છે.

સુરતમાં અવારનવાર માર્ગ અકસ્મતોના બનાવો બનતા રહે છે અને ઘણીવાર ઓવર સ્પીડ અને બેફામ રીતે વાહન હંકારતા ચાલકોને કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવાનો વારો આવતો હોય છે. ત્યારે હવે ઓવર સ્પીડને કારણે બનતા આ પ્રકારના અકસ્માતો પર અંકુશ લગાવવા માટે પોલીસ વિભાગને સ્પીડ ગનથી કાર્યવાહી કરવાની ટ્રેનિંગ આપી દેવામાં આવી છે.

અકસ્માતો અને સ્પીડ પર અંકુશ મેળવી શકાય તે માટે શહેર પોલીસે એરિયા પ્રમાણે ચોક્કસ સ્પીડ મર્યાદા નક્કી કરી ઓવર સ્પીડ વાહનચાલકોને ટ્રેક કરવા માટે સ્પીડનો સહારો લેશે. જેમાં વાહનોની સ્પીડ કેપ્ચર કરવા સાથે ફોટો અને વીડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે અને તે માટે પોલીસ કર્મીઓને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. જેના થકી આગામી દિવસોમાં વાહનોને ટ્રેક કરી પોલીસ કાર્યવાહી કરશે. બેફામ વાહન ચાલકો અને ગતિ મર્યાદા કરતા વધુ સ્પીડમાં વાહન હકારતા ચાલકોને કારણે અનેકવાર સર્જાતા અકસ્માતો પર અંકુશ લાવવા માટે રાજ્ય સરકારે પોલીસ વિભાગને સ્પીડ ગનથી સજ્જ કરી છે અને તેના માટે ઓપરેટિંગ સિસ્ટમ અંગે તાલીમ પણ આપવામાં આવી છે.

પોલીસની આ સ્પીડ ગનમાં એક કિલોમીટર દૂરથી જ વાહનોની સ્પીડ કેપ્ચર થઈ શકે તેવી સિસ્ટમ ઉપલબ્ધ છે. જેમાં વાહન ચાલકોનો ફોટો અને વીડીયોગ્રાફી પણ થઈ શકે તેવી સુવિધા છે. પોલીસ સ્થળ પર જ ઓવર સ્પીડ વાહન ચાલકોને દંડ ફટકારી શકશે. આ રીતે આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ સાથે ઓવર સ્પીડ વાહન ચાલકો પર બાજ નજર રાખવા તૈયારી કરી લીધી છે..