ગોંડલમાં પાંજરાપોળ પાસેનાં પુલ પરથી રાજકોટ સાસરે રહેતી યુવતીએ પડતુ મુકતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઇ
- 7:29 pm February 7, 2024
ગોંડલમાં ગત રાત્રીનાં પાંજરાપોળ પાસેનાં પુલ પરથી રાજકોટ સાસરે રહેતી યુવતીએ પડતુ મુકતા પુલ નીચેના ગંદા પાણીમાં ખાબકતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી. બનાવ વેળા લોકોનાં ટોળા એકઠા થયા હતા. અને કેટલાક લોકોએ નદીમાં ઝંપલાવી યુવતીનો બચાવ કર્યો હતો. ઘરકંકાસને કારણે પગલુ ભર્યાનું યુવતીએ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં જામનગર રોડ પર આવેલી વસુંધરા સોસાયટીમાં સહેતી અને ગોંડલ કપુરીયાપરામાં માવતર ધરાવતી સોનલબેન નરેશભાઇ ડાભી ઉ.40 એ રાત્રીનાં પાંજરાપોળ પાસે આવેલા ગોંડલી નદીનાં પુલ પરથી નીચે છલાંગ લગાવી હતી, જે જોઈને લોકોનાં ટોળા એકઠા થયા હતા. કેટલાક લોકોએ નદીમાં ઉતરી યુવતીને બહાર કાઢી હતી. અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. પુલ ઉપરથી પડતું મુકવાથી યુવતીને કમરનાં ભાગે ઇજા પંહોચી હતી. સોનલબેનનાં પતિનું ત્રણ વર્ષ પહેલા બીમારી સબબ મૃત્યુ થયુ હતુ. સંતાનમાં એક દીકરી છે. સોનલબેન રાજકોટ કેન્સર હોસ્પિટલમાં નોકરી કરે છે. અને જેઠ તથા દિયર સહિતનાં સંયુક્ત પરિવારમાં રહે છે. રાત્રે પોતાની દીકરીને કપુરીયા પરામાં માવતરનાં ઘર પાસે મુકી પુલ પરથી પડતું મુકયું હતું. પારીવારીક કલેશને કારણે પગલું ભર્યાનું જાણવા મળેલ હતું.