હિંમતનગર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે સાબરકાંઠાના નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ

  • 7:59 pm February 7, 2024
જાકીર મેમણ‌‌‌ | ઈડર

 

સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વ તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી સભાખંડ ખાતે વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. નોડલ અધિકારીઓને સંબોધતા ચૂંટણી અધિકારી નૈમેષ દવેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે. આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારી પૂર્વક સુપેરે પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી. આ ઉપરાંત ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી. આ બેઠક જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જિલ્લામાં વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાનાર કામગીરી ચૂંટણીલક્ષી તાલીમ, મેનપાવર મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, કોમ્પ્યુટરરાઇજેશન સાયબર સિક્યુરીટી અને આઇ.ટી, એમસીએમસી, ઇવીએમ મેનેજમેન્ટ, કમ્પલેન રીડ્રેસલ અને હેલ્પલાઇન, પરસન્સ વીથ ડિઝાબીલીટીસ તેમજ મતદાર જાગૃતિ અભિયાન અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારી સહિત અન્ય નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.