પાટણના APMC ખાતે યોજાનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યક્રમને લઈને તૈયારીઓ હાથ ધરાઈ

  • 7:59 pm February 7, 2024
જે.પી વ્યાસ, પાટણ

 

લાભાર્થીઓને આવાસો સુપ્રત કરવાના કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ચાર્જ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

આગામી તારીખ 10 ફેબ્રુઆરીના રોજ પાટણ એપીએમસી હોલ ખાતે પાટણ શહેર, ગ્રામ્ય અને સરસ્વતી તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના પાંચ હજારથી વધુ લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનો સુપ્રીત કરવાનો કાર્યક્રમ પાટણના રાજકીય, સામાજિક આગેવાનો સહિત જિલ્લા વહીવટી તંત્રની ઉપસ્થિતિ વચ્ચે આયોજિત કરવામાં આવ્યો છે. 

વડાપ્રધાનની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ વચ્ચે આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા બુધવારના રોજ પાટણ નગર પાલિકાના સભાખંડ ખાતે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સંજય ચૌધરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, પાટણ તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર પાટણ શહેર અને ગ્રામ્ય તેમજ નગરપાલિકાના અને તાલુકા પંચાયતના કર્મચારીઓની ઉપસ્થિતિ વચ્ચે બેઠક મળી હતી. 

બેઠકમાં ઉપસ્થિત રહેલા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સંજય ચૌધરીએ પાટણ શહેર ગ્રામ્ય અને સરસ્વતી તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના કાર્યક્રમમાં સમયસર લાભાર્થીઓ સ્થળ પર પહોંચે તેમ જ દરેક લાભાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે તેમજ તેઓને કાર્યક્રમના સ્થળે લાવવા-લઈ જવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થા સુદઢ બને તે માટે સુચનાઓ આપવામાં આવી હતી.