સુબીર ખાતે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી આદિવાસીની 73 AA ની જમીન પચાવવાનો પ્રયાસ

  • 8:08 pm February 7, 2024
સુશીલ પવાર | ડાંગ

 

ડાંગ જિલ્લાનાં સુબીર ખાતે અભણ આદિવાસી વ્યક્તિનો લાભ લઇ ઈસમ દ્વારા 73 AA ની જમીનની પોતાના નામ પર પાવર ઓફ એટર્ની બનાવી લેતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આદિવાસીની જમીન પચાવવા માટે બોગસ દસ્તાવેજ બનાવવામાં આવતા કુલમુખત્યારપત્ર રદ કરવા અંગેની નોટિસ ફટકારવામાં આવી છે. ડાંગ જિલ્લાના સુબીર ખાતે રહેતા કાશીરામભાઈ જાનુભાઈ ચૌધરીની માલીકી, કબજા તથા ભોગવટા વાળી જમીન  સુબીર ખાતે આવેલ છે. જેનો સીટી સર્વે નં.એન.એ ૨૧૮ છે.જે અગાઉ ખાતા નં.૧૨૯, બ્લોક/સર્વે નં. ૨૧૮ જૂનો બ્લોક/સર્વે નં. પર/૧ જેને ટેમરૂનની ભુય તરીકે ખેતરના નામથી ૭/૧૨માં નોંધ પડેલ છે. તે જમીન તથા બ્લોક/સર્વે નં.૮૧ વાળી જમીનના ૭/૧૨ તથા ૮ (અ)માં તેમની જમીન ચાલી આવેલ છે. ત્યારે આ જમીન પૈકી સર્વે નં.પર/૧ ની જમીન મહેસુલ કાયદાની કલમ ૭૩ એએ સત્તા નીયંત્રીત પ્રકારની જમીન કાશીરામ ચૌધરીના નામ પર સરકારી દફતરે ચાલી આવેલ છે. જે પૈકી સર્વે નં. પર/૧ વાળી જમીન એન.એ કરાવેલ છે. ત્યારે કાશીરામ ચૌધરી અભણ હોવાથી તેનો ગેરફાયદો લઈને તા. ૦૧/૦૭/૨૦૨૨ ના રોજ રમણભાઈ ભિરડુભાઈ ગાવીત (રહે.શિવબારા, પો.પિપલદહાડ, તા.સુબીર, જી.ડાંગ)એ પાવર ઓફ એટર્નીનું લખાણ લઈ લીધું હતું. જેના કારણે  કાશીરામ પાસેથી નોટરી, અન્ય લખાણો કે કોઈ દસ્તાવેજો કરાવી લીધેલાની સંભાવના જોવા મળી રહી છે. તેમજ કુલમુખત્યારપત્ર લખાવી લીઘેલ છે. ત્યારે કુલમુખ્તયારનામાના ઓથા હેઠળ રમણ ગાવીત ગેરવહીવટ કરી શકે છે. અને ખોટી રીતે હકક નષ્ટ કરતા દસ્તાવેજો કરી શકે છે. ત્યારે કાશીરામ જાનુ ચૌધરી દ્વારા વકીલ મારફતે કુલમુખ્ત્યારપત્ર રદ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.હવે ભૂતકાળમાં કે આવનાર સમયમાં કોઈપણ વ્યક્તિ દ્વારા રમણ ગાવીત સાથે જમીનને લઈને કોઈપણ વ્યવહાર કરવામાં આવે તો કાશીરામ ચૌધરી તેને બંધન કરતા રહેશે નહી તેમ જણાવવામાં આવ્યુ છે.