કારેલીબાગમાં કાસમઆલા કબ્રસ્તાન પાસે છરીના ઘા મારી યુવકને રહેંસી નાખ્યો, પરિવારમાં ભારે આક્રંદ

  • 9:42 pm February 7, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

વડોદરાના કારેલીબાગ કાશમઆલા કબ્રસ્તાન પાસે અજાણ્યા શખસોએ યુવકને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે. જોકે, પોલીસ પહોંચે એ પહેલાં લોહી લુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ યુવકે જીવ છોડી દીધો હતો. યુવક ફૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવાજનોએ દીકરાના મોતથી આક્રંદ કર્યું હતું. જોકે આ હત્યા કોણે કરી અને કયાં કારણોસર કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.આ ઘટનાને લઈ કારેલીબાગ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે DCP ઝોન 4 પન્ના મોમાયા પણ દોડી આવ્યા હતા. આ ઘટનામાં મૃતક યુવકનું નામ નાઝીમખાન પઠાણ છે અને તે ફૂટનો વેપાર કરતો હતો. નાઝિમના મૃત્યુના સમાચાર મળતાં પરિવારે આક્રંદ કર્યું હતું.

મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો કારેલીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની સાથે મૃતદેહના પોસ્ટ મોર્ટમની તજવીજ હાથ ધરી છે. હાલમાં પોલીસે આ યુવક પર થયેલા હુમલા પાછળ કારણ શું? કોણે હુમલો કર્યો? તે દિશામાં તપાસ ચાલી રહી છે. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, પોલીસે યુવકની હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરી છે. આ વ્યક્તિ ટેમ્પો ચલાવવાનું કામ કરે છે જે ફૂટની લારી અને ફ્રૂટ પહોંચાડવાની કામગીરી કરતો હતો. મૃતકના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે.

એસીપી જી.બી. બાંભણીયાએ જણાવ્યું હતું કે, સવારે કંટ્રોલમાં માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના માથા અને છાતીના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ હત્યા તલવાર કે છરા વડે થઈ હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે આસપાસના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. સીસીટીવીમાં કોઈ વ્યક્તિ ભાગતો અને હાથમાં લોહી હોવાનું જોવા મળ્યું છે.