વડોદરા કોર્પોરેશનની જુદી-જુદી ઇમારતો, બસ સ્ટેન્ડ પર સોલાર રૂપ ટોપ, બગીચાઓમાં સોલાર ટ્રી મુકાશે

  • 9:46 pm February 7, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

શહેરની જુદી-જુદી એન્ટ્રીઓ ઉપર સોલર ટ્રી પાવર પ્લાન્ટ લગાડવાની જરૂરીયાત દર્શાવી

દસ વર્ષના સંચાલન અને નિભાવણી પાછળ 13.34 કરોડ ખર્ચ કરશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2024-25ના બજેટમાં ક્લીન સીટી ગ્રીન સીટી અંતર્ગત શહેરના બસ સ્ટેન્ડ ઉપર સોલર તથા કોર્પોરેશનની જુદી જુદી બિલ્ડીંગો ઉપર નવી રૂફટોપ સોલર અને બગીચાઓ સહિત વિવિધ સ્થળો પર સોલર ટ્રી લગાડવા 15 કરોડના ખર્ચનું આયોજન હોવાનું જણાવાયું છે. 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં એક દરખાસ્ત રજૂ થઈ હતી જેમાં જણાવ્યું છે કે, કોર્પોરેશન દ્વારા સોલર ગ્રીન એનર્જીનો વધુ ઉપયોગ થાય તે માટે સ્ટ્રીટલાઇટ વિભાગ દ્વારા કોર્પોરેશનની જુદી- જુદી ઇમારતો ઉપર સોલર રૂફ ટોપ પાવર પ્લાન્ટ લગાડવાની કામગીરી કરવામાં આવેલ છે. જયારે  પાણીની ટાંકીઓ ખાતે સંપ અને પમ્પીંગ હાઉસ ઉપર તથા  સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં બીલ્ડીગ ઉપર સોલર રૂફ ટોપ પાવર પ્લાન્ટ લગાવાયા છે. 

આ ઉપરાંત જુદા-જુદા ગાર્ડનમાં અને શહેરની જુદી-જુદી એન્ટ્રીઓ ઉપર સોલર ટ્રી પાવર પ્લાન્ટ લગાડવાની જરૂરીયાત દર્શાવી છે. આ બધી કામગીરી માટે ૧૦ વર્ષ  કોમ્પ્રિહેન્સીવ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ કરવા રૂ.૧૩.૩૪ કરોડના ખર્ચના અંદાજ સાથે પ્રથમ વખત ઇ-ટેન્ડરીંગથી ભાવપત્રો મંગાવતાં સિંગલ ટેન્ડર આવતા બીજી વખત બે ભાગમાં મંગાવવામાં આવ્યા હતા. જેમાં ચાર ટેન્ડર આવ્યા હતા. ખાતાના અંદાજ કરતા 1.41% ટકા ઓછા ભાવનું 13.15 કરોડનું ટેન્ડર મંજૂરી માટે સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ કરવામાં આવ્યું છે.