સેલ્ફી પોઈન્ટ બનાવી લિંબાયતની શાળાના બાળકો રૂ.૨ ફી લેખે લે છે અને આ પૈસાનો ઉપયોગ તેઓ હવન-પૂજામાં કરે છે

  • 9:50 pm February 7, 2024

 

સુરત મહાનગરપાલિકાની નોખી-અનોખી મરાઠી માધ્યમની ગર્લ્સ સ્કુલમાં એડમિશન લેવા માટે વાલીઓ રાહ જુએ છે

સુરતના લિંબાયત ઝોનમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મહારાણી તારાબાઈ પ્રાથમિક શાળા નં.૧૭૫ ખૂબ વિશિષ્ટ છે અને અવનવા નવાચારો કરી શિક્ષણને નવા આયામ સર કરી રહી છે. સુરત મહાનગરપાલિકાની આ નોખી-અનોખી અને ઇનોવેટિવ મરાઠી માધ્યમની ગર્લ્સ સ્કુલમાં એડમિશન લેવા માટે વાલીઓ રાહ જુએ છે.

હાલમાં જ આ શાળામાં બાળકો માટે ફન ઝોન અને લર્નિંગ બાય ડુઈંગ કોન્સેપ્ટ પર પ્રયોગો કરવામાં આવ્યા. જેમાં બાળકો પોતાની જાતે કોઈ વિચાર પર કામ કરે છે અને તેને બિઝનેસ મોડેલ બનાવી શકાય તે વિચારી શાળામાં શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સમક્ષ મૂકે છે. આવા નવાચાર પૈકીનો એક વિચાર એવો હતો જેમાં બાળકોએ પોતાની જાતે શાળામાં સેલ્ફી પોઈન્ટ બનાવ્યો હતો, આ સેલ્ફી પોઈન્ટ પર અવનવા ચિત્રો અને રમકડા મૂકી ગોઠવણી કરી હતી, જે વાલી કે વિદ્યાર્થી ફોટો ખેંચવા માંગે તેની પાસેથી રૂ.૨/- ફી લે છે. ફી પેટે એકઠા થયેલા પૈસાથી શાળામાં યોજાનારા ગાયત્રી હવનમાં આ પૈસાનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારિતાનું સિંચન થઈ રહ્યું છે. આવો પ્રયોગ તેમણે આનંદ-મેળામાં કર્યો હતો. જેમાં વિદ્યાર્થિનીઓ ઘરેથી જાતે વાનગી લઈને આવે, માર્કેટિંગ કરે અને ગ્રાહકોને આકર્ષી તેમનો નફો વધારવા પ્રયત્નો કરે. કોઈ વિદ્યાર્થિનીઓએ બટાકા-ભૂંગળા, તો કોઈ એ મંચુરિયન તો કોઈએ સેવ ઉસળ, આલુપુરી, લોચો, પાણી પૂરી જેવી વાનગીઓ બનાવી હતી.

આ અંગે શાળાના આચાર્ય કાશીનાથ જાદવે જણાવ્યું કે, આજનો જમાનો બદલાયો છે, શિક્ષણની પરિભાષા બદલાઈ છે, પરંપરાગત અને રૂઢીગત શિક્ષણના સ્થાને બાળકોને પ્રેક્ટીકલ અને ક્રિએટીવ નોલેજ આપવું જોઈએ. ખાણીપીણીના સ્ટોલ લગાવીને વિદ્યાર્થિનીઓ ગણિત, માર્કેટિંગ, પાકશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર જેવા વિષયો શીખી શકે છે. જે બાળકોને જીવનભર કામ લાગે છે, આજે શિક્ષણને ચાર દીવાલોની વચ્ચે સીમિત ન રાખતા દરેક ક્ષેત્રનું જ્ઞાન બાળકને આપવું જોઈએ. ભવિષ્યમાં પણ અમે આવા પ્રયોગો કરવા માંગીએ છીએ આ કાર્યમાં આમારા શિક્ષકોનો સહકાર મળે છે.