વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લામાં આઠ વિધાનસભાઓમાં નિર્મિત પી.એમ.આવાસોનાં ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે
- 10:03 pm February 7, 2024
જિલ્લા કલેકટર આર.કે.મહેતાનાં અધ્યક્ષસ્થાને ઈ-લોકાર્પણનાં કાર્યક્રમોનાં આયોજન અર્થે બેઠક મળી
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પી.એમ.આવાસોનું તા.૧૦મી ફેબ્રુઆરીએ બપોરે ૧૨.૦૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કરાશે. જેનાં ભાગરૂપે તમામ વિધાનસભાઓ અંતર્ગત ભાવનગર શહેર-જિલ્લામાં આઠ વિધાનસભા બેઠકો ખાતે આવાસોનાં ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે. જેનાં સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર આર.કે.મહેતાનાં અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી હતી.
જિલ્લા કલેકટરએ બેઠકમાં કાર્યક્રમ સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, બેઠક વ્યવસ્થા, લોકોને વાહનો દ્વારા લાવવા અને લઈ જવાની વ્યવસ્થા, ફૂડ પેકેટ, પીવાનાં પાણીની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા સહિતની કામગીરી કરાવવા કલેક્ટરએ સંબધિત અધિકારીઓને રચનાત્મક સૂચનાઓ કર્યાં હતાં.
જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી જયશ્રીબેન જરૂએ કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું અને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.
ભાવનગર જિલ્લામાં મહુવા વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ એ.પી.એમ.સી.-મહુવા ખાતે, તળાજા વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી.-તળાજા ખાતે, ગારીયાધાર વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી.-ગારીયાધાર ખાતે, પાલિતાણા વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી.-પાલિતાણા ખાતે, ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સીદસર ખાતે અને ગઢડા વિધાનસભામાં એ.પી.એમ.સી. ધોળા(જં) ખાતે તેમજ ભાવનગર શહેરની પૂર્વ વિધાનસભાનો કાર્યક્રમ તરસમીયા ઝોનલ ઓફિસ ખાતે અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર- ચિત્રા ખાતે યોજાશે. જિલ્લાની આઠ વિધાનસભાઓમાં યોજાનારા કાર્યક્રમોમાં મંત્રીઓ, ધારાસભ્યઓ સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓનાં આવાસોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી, નાયબ પોલિસ અધિકક્ષક આર.આર.સિંધાલ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.