કરજણના જલારામ વિસ્તારમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગાયને કરુણા એમ્બ્યુલન્સ દ્વારા યોગ્ય સમયે સારવાર મળતા જીવ બચ્યો

  • 8:02 pm February 8, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંકલનથી દસ ગામ દીઠ કરુણા અંતર્ગત ફરતું પશુ દવાખાનું કાર્યરત છે.  વડોદરા જિલ્લાના આજુબાજુના ગામડાઓમાં અબોલ પશુ પક્ષીઓ માટે વિનામૂલ્યે સારવાર આપવામાં ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ એક અમૂલ્ય વરદાન સાબિત થયેલ છે. વડોદરા જિલ્લાના કરજણ નગરના જલારામ વિસ્તારમાં રખડતી ગાયને ગંભીર હાલતમાં જોઈ પ્રત્યક્ષ દર્શીએ તરત જ ૧૯૬૨ કરુણા હેલ્પલાઇન ૧૯૬૨ પર કૉલ કર્યો હતો. કોલ કર્યાની ગણતરીની પળોમાં કરમડી ગામના ડૉ. મેઘા પટેલ તથા પાયલોટ કમ ડ્રેસર રણજીત ભાઇ ઘટના સ્થળ આવી પહોંચ્યા હતાં.

ઘટના સ્થળે પહોંચ્યા બાદ ઇજાગ્રસ્ત ગાયનું નિરીક્ષણ કરતા જાણ્યું કે આગળના ડાબા પગે ઓપન ફ્રેક્ચર અને અનેક શારીરિક ઈજાઓ હતી. ગાયની હાલત ખૂબ જ ગંભીર હતી અને ઉભી થવામાં અસક્ષમ હતી. પરિસ્થિતિની ગંભીરતા જાણીને કરુણા એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક ગાયને ઘૂંટણના નીચેના હાડકામાં ફ્રેકચર પર ડ્રેસિંગ કર્યું. બીજી પ્રાથમિક સારવાર કરી તેને જરૂરી એન્ટીબાયોટિક તથા દુ:ખાવાના ઇંજેક્શન પણ આપીને તેની પીડામાં રાહત આપી હતી.

લગભગ એકાદ કલાકની ભારે મહેનતના અંતે ફળસ્વરૂપ ગાયની ગંભીર સ્થિતિમાં સુધાર આવતા કરુણા ટીમ અને ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષીઓએ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ તથા ૧૯૬૩ કરુણા ઇમરજન્સી સેવાને બિરદાવી હતી.