૧૦મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વડોદરા જિલ્લાના ૩૫૨ ગામના ૧૪૯૫ પી.એમ.આવાસોનું ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ

  • 8:04 pm February 8, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજયભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પી.એમ.આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત BLC આવાસોનું આગામી તા. ૧૦મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડિસાથી ઈ-લોકાર્પણ કરવામાં આવશે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના ૩૫૨ ગામના ૧૪૯૫ લાભાર્થીઓના પી.એમ.આવાસોનું ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે.

રાજ્યના તમામ ૧૮૨ વિધાનસભા મતક્ષેત્રમાં કાર્યક્રમના જીવંત પ્રસારણ, આવાસોનું ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ, લાભાર્થીઓની હાજરીમાં આવાસોની ચાવી સોંપણીના કાર્યક્રમો યોજાશે. વડોદરા જિલ્લાના સાત તાલુકામાં પાંચ સ્થળોએ ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજી પૂર્ણ થયેલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.

ઈ-લોકાર્પણ કાર્યક્રમની જિલ્લાના તાલુકાવાર અને ગામવાર યાદી પર નજર કરીએ તો, કરજણ તાલુકાના ૭૨ ગામમાં ૨૪૩ આવાસો, ડભોઈ તાલુકાના ૬૭ ગામમાં ૨૩૭ આવાસો, પાદરા તાલુકાના ૬૧ ગામમાં ૧૯૪ આવાસો, વાઘોડીયા તાલુકાના ૫૪ ગામોમાં ૧૪૬ આવાસો, સાવલી તાલુકાના ૫૨ ગામમાં ૧૮૪ આવાસો, શિનોર તાલુકાના ૨૯ ગામોમાં ૨૫૪ આવાસો તેમજ ડેસર તાલુકાના ૧૭ ગામોમાં ૧૬૯ આવાસોનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઈ-લોકાર્પણ થશે. એટલે કે વડોદરા જિલ્લામાં કુલ ૧૪૯૫ લાભાર્થીઓને પોતાનું પાક્કું ઘરનું ઘર મળશે.

વડોદરા જિલ્લામાં કુલ પાંચ સ્થળોએ ઈ-લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડભોઈ તાલુકામાં એપીએમસી ખાતે, શિનોર અને કરજણ તાલુકાનો કાર્યક્રમ કરજણની એમ. બી. શાહ હાઈસ્કુલ ખાતે, વાઘોડીયા તાલુકાનો કાર્યક્રમ સર્કસ ગ્રાઉન્ડ ખાતે, સાવલી અને ડેસર તાલુકાનો કાર્યક્રમ સાવલીની વાંકાનેર શ્રેષ્ઠ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે તેમજ પાદરા તાલુકાનો કાર્યક્રમ કરખડી હાઈસ્કૂલ ખાતે યોજાશે. જ્યાં લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહેશે.