સુરતમાં વસતા સૈનિક પરિવારોમાંથી દેહદાનની પ્રથમ ઘટના: ૮૨ વર્ષીય સ્વ.નિર્મલાબેન સૂદનું સુરતની સરકારી મેડિકલ કોલેજમાં દેહદાન

  • 8:07 pm February 8, 2024

 

સૈનિક પરિવારની મંજૂરી અને સ્વ.નિર્મલાબેનની પૂર્વ પ્રતિજ્ઞાને પગલે સફળ દેહદાન લાખો માટે પ્રેરણાદાયી

જીવતાજીવત અને મૃત્યુ બાદ પણ સમાજ અને દેશને ઉપયોગી થવાના સંકલ્પને સો સલામ

ધાર્મિક પરંપરા અને સામાજિક લાગણીને કારણે ભારતમાં મૃત્યુ બાદ દેહદાનની ઘટના સરળતાથી જોવા નથી મળતી. હિન્દુ ધર્મમાં દેહાંત બાદ વિધિવત અંતિમસંસ્કારનું મહત્વનું સ્થાન હોવાથી મોટા ભાગે લોકો દેહદાન માટે અચકાતા હોય છે. ત્યારે મૂળ હિમાચલ પ્રદેશના અને ૧૦ વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા ભારતીય નેવીમાં પૂર્વ લેફ્ટનન્ટ ઓમ પ્રકાશ સૂદના પત્ની સ્વ. નિર્મલાબેન સૂદનો દેહદાનનો સંકલ્પ અન્ય લોકો માટે પ્રેરણાદાયી છે. 

દેહદાનના પૂર્વ સંકલ્પ અને પરિવારની સહમતિ હેઠળ ૮૨ વર્ષીય સ્વ.નિર્મલાબેનનું નવી સિવિલ સ્થિત સરકારી મેડિકલ કોલેજમાં મેડિકલ છાત્રોના અભ્યાસ માટે દેહદાન કરાયું હતું. પોતાની દીકરી સાથે સુરતમાં વસતા સ્વ.નિર્મલાબેને દેહદાન કરીને દેહદાન જેવું અનોખું દાન કરવામાટે ઉમદા ઉદાહરણ પૂરૂં પાડયું છે. જીવતાજીવત અને મૃત્યુ બાદ પણ સમાજ અને દેશને ઉપયોગી થવાની સૂદ પરિવારની સદ્દભાવના હજારો સૈનિક પરિવારોનો દેશપ્રેમ અને જનસેવાની ભાવના દર્શાવે છે.  

URC અને ECS પોલિક્લિનિકના કો-ઓર્ડિનેટર અને પૂર્વ વાયુ સેનના અધિકારી  એસ.એસ.ચંપાવતની પ્રેરણાથી સૂદ પરિવારે લીધેલા નિર્ણય બાદ સરકારી મેડિકલ કોલેજના ડીન ડૉ. રાગિણી વર્માએ દેહદાન સ્વીકાર્યું હતું. આ દેહદાન થકી તબીબી અભ્યાસ કરી રહેલા મેડિકલના છાત્રો તબીબીક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે.  

સમાજની રૂઢિચુસ્ત માન્યતાઓને પાછળ મૂકી દેહદાનનો નિર્ણય સમગ્ર સુરતમાં વસતા હજારો સૈનિક પરિવારો માટે પ્રેરણાદાયી છે એમ જણાવતા URC અને ECS પોલિક્લિનિકના કો-ઓર્ડિનેટર અને પૂર્વ આર્મી ઓફિસર એસ.એસ.ચંપાવતે સૂદ પરિવારની સરાહના કરતા સમગ્ર સૂદ પરિવારે વર્ષો પહેલા જ અંગદાન અને દેહદાન માટેની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હોવાનું ઉમેર્યું હતું. અત્રે નોંધનીય છે કે, ઓમ પ્રકાશ સુદે વર્ષ ૧૯૭૧ની લડાઈમાંમહત્વની ભૂમિકા ભજવી હતી.  

નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી મેડિકલ કોલેજ ખાતે થયેલા દેહદાનને સફળ રીતે પૂર્ણ કરવામાં નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. ગણેશ ગોવેકર, ડૉ. મીનાક્ષી બંસલ, ડૉ. પાટિલ, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા સહિત અન્ય સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.