ડીસા મામલતદાર કચેરીના પ્રવેશમાર્ગ પર થાગડ થિગડ.. !

  • 8:13 pm February 8, 2024
સંજયસિંહ રાઠોડ | બનાસકાંઠા

 

નેશનલ હાઇવે ભલે પ્લેન ઉતરી શકે તેવા બની રહ્યા હોય પરંતુ ડીસા મામલતદાર કચેરીમાં પ્રવેશવાનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં છે. ગત ચોમાસામાં વરસાદી પાણી ભરાયા બાદ તો આ પ્રવેશમાર્ગ ની હાલત ખૂબ જ બદતર થઈ ગઈ હતી અને મોટા ખાડા પડી જતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. ત્યારે વારંવાર રજૂઆત કર્યા બાદ ખાડા પૂરવા માટે તંત્રએ ટ્રેક્ટર ભરીને રોડા નાખ્યા હતા પરંતુ રોડા નાખ્યા બાદ તો વાહનચાલકો પહેલા કરતાં પણ વધુ હેરાન થવા લાગ્યા અને મામલતદાર કચેરીમાં આવતા રોજના 300થી પણ વધુ કાર ચાલકો અને ટુ-વ્હીલર ચાલકો પટકાતા પટકાતા મામલતદાર કચેરી પહોંચતા હતા.
ત્યારબાદ છેલ્લા 4 મહિનાથી અરજદારો અને સ્થાનિક લોકોની વારંવાર રજૂઆત બાદ હવે તંત્રએ આ પાથરેલા રોડા પર માટી નાખી રોડને થાગડ થીગડ કરી સરખો કર્યો છે. પરંતુ હજુ પણ આ માર્ગને વ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યો નથી ત્યારે મામલતદાર કચેરીમાં આવતા રોજના અસંખ્ય વાહન ચાલકોની માગ છે કે અહીં પાકો માર્ગ બનાવવામાં આવે તો મામલતદાર કચેરીમા પ્રવેશતા વાહન ચાલકોની મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે.