ડીસામાં 10 મીએ વડાપ્રધાનની વર્ચ્યુઅલ,મુખ્યમંત્રીની હાજરીમાં આવાસ યોજનાનો ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે

  • 8:13 pm February 8, 2024
સંજયસિંહ રાઠોડ | બનાસકાંઠા

 

ડીસામાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવાસ યોજનાઓનો ગૃહપ્રવેશ કાર્યક્રમનું 10 ફેબ્રુઆરીએ આયોજન થયું છે. જેને લઇ જિલ્લા કલેકટર સહિત દરેક વિભાગના અધિકારીઓએ એરપોર્ટ પર ધામા નાખી તડામાર તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે.

ડીસામાં એરપોર્ટ ઉપર 10 ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાનો આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ છે. જેને લઇ વહિવટી તંત્ર દ્વારા શાળામાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. બુધવારે જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, નાયબ કલેકટર નેહા પંચાલ સહિત તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની દેખરેખ હેઠળ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે.

આ અંગે જિલ્લા કલેકટર વરૂણ બરનવાલે જણાવ્યું હતું કે ‘જ્યારથી આવાસ યોજનાઓ શરૂ થઈ છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં 55 થી 60 હજાર જેટલા આવાસ યોજનાઓ બન્યા છે અને 10 તારીખે સમગ્ર રાજ્યમાં સવા લાખ જેટલા નવા આવાસોનો ગૃહ પ્રવેશ કાર્યક્રમ છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ ડીસામાં છે. સાથે બાકી જિલ્લાઓમાં પણ દરેક એસેમ્બલી કોસ્ટીટ્યુશનલી લેવલે આયોજન કરાયું છે. ડીસામાં યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં અંદાજિત 50,000 લોકો જિલ્લાના અલગ-અલગ તાલુકામાંથી આવવાનો અંદાજ છે. આ તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા પણ એરફિલ્ડ ગ્રાઉન્ડ પર રાખવામાં આવી છે.