વનસ્પતિ રોગશાસ્ત્ર છોડ અને જમીનની તંદુરસ્તીના ભવિષ્ય માટેનું વ્યવસ્થાપન વિષય પર ચાર દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાયો

  • 8:17 pm February 8, 2024
સંજયસિંહ રાઠોડ | બનાસકાંઠા

 

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે ઇન્ડિયન સોસાયટી ઓફ માયકોલોજી એન્ડ પ્લાન્ટ પેથોલોજી, ઉદયપુર અને સ.દાં.કૃષિ વિશ્વવિદ્યાલયના સંયુકત ઉપક્રમે વનસ્પતિ રોગ શાસ્ત્ર છોડ અને જમીનની તંદુરસ્તીના ભવિષ્ય માટેનું વ્યવસ્થાપન વિષય પર ચાર દિવસીય આઈ. એસ. એમ.પી.પી ત્રીજી એશિયન કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કુલપતિ ડો. આર.એમ.ચૌહાણએ જણાવ્યું હતું કે, છોડ અને જમીન એકબીજા સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલ છે. છોડ અને જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે રસાયણોનો ઉપયોગ ઘટાડી જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે છાણીયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે અત્રેની વિશ્વવિદ્યાલય દ્વારા સંશોધિત ઘઉં, મસાલા પાકો અને દિવેલાની જુદી જુદી રોગ પ્રતિકારક જાતોના ઉપયોગથી ખેડૂત અને દેશને થયેલ ફાયદાઓ વિશે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં અતિથિ ન.કૃ.યુ, નવસારીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલે રોગ જીવાતની અસરકારક તજજ્ઞતાઓના અમલીકરણ માટે વધુમાં વધુ વિસ્તાર મુજબ અને લોક ભાગીદારી કરવા આહવાન કર્યું હતું. સાઉથ એશિયા બાયોટેક્નોલૉજી સેન્ટર અને ઇન્ડીયન સોસાયટી ફોર કોટન ઇમ્પ્રુવમેન્ટ, મુંબઈના પ્રમુખ ડો.સી.ડી.માયીએ યુવા વૈજ્ઞાનિકોને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, વાતાવરણમાં થતાં બદલાવને લીધે રોગ ઉપર થતી અસર અને નવીનત્તમ ટેકનોલોજીના સમન્વયથી વનસ્પતિ રોગ નિયંત્રણ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ત્રીજી એશીયન કોંગ્રેસમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી 360 જેટલા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ સમારોહમાં કુલ 283 સંશોધન પત્રો, 149 ઓરલ પ્રેઝન્ટેશન, 134 જેટલા પોસ્ટર પ્રેઝન્ટેશન અને 43 લીડ પેપર રજૂ થનાર છે. આ સમારોહમાં વૈજ્ઞાનિકો અને વિધાર્થીઓને વિવિધ કક્ષાના કુલ 19 એવાર્ડ એનાયત કરવામાં આવનાર છે. આ સમારોહમાં પધારેલ મહાનુભાવોના હસ્તે સમારોહની કંપોન્ડીયમ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.