સાયખા GIDC સ્થિત ટી-વેન્ચર્સ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી, પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ તસ્કરો ઉઠાવી ગયા

  • 8:24 pm February 8, 2024
નઈમ દિવાન

 

વાગરા તાલુકામાં આવેલ સાયખા GIDC સ્થિત ટી-વેન્ચર્સ કંપનીમાં અજાણ્યા ચોર ઈસમો રૂપિયા પાંચ લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ જતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વાગરા પોલીસે તસ્કરોનું પગેરું શોધવાની દિશામાં તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત તારીખ ૨૧/૦૧/૨૦૨૪ થી ૨૩/૦૧/૨૦૨૪ ના સમયગાળા દરમિયાન સાયખા GIDC સ્થિત ટી-વેન્ચર્સ નામની કંપનીમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ કંપનીના સ્ટોર રૂમમાં મુકેલ અલગ-અલગ ૦૬ પ્રકારના મુદ્દામાલ ઉપર હાથફેરો કર્યો હતો. જેમાં (૧) હાઇડ્રોલિક મોટર નંગ ૬ જેની અંદાજીત કિંમત રૂપિયા ૧૩,૫૦૦/- (૨) બ્લોક (ઈંજેક્ટર) અને વાલ્વ નંગ ૩ જેની અંદાજીત કિંમત રૂપિયા ૮૯,૨૦૮/-  (૩) પ્રપોસનલ વાલ્વ અને રિલીફ વાલ્વ નંગ ૦૩ જેની કિંમત રૂપિયા ૪૮,૦૦૦/- (૪) ઈંજેક્ટર રોડ નટ સાથે નંગ ૩૫ જેની કિંમત રૂપિયા ૬૮,૬૭૬/- (૫) સિમેન્સ મોટર જેની અંદાજીત કિંમત રૂપિયા ૨૧,૪૧૭/- (૬) એસે.એસ ટ્રે, એલ્યુમિનિયમ પ્લેટ સાથે નંગ ૧૦ જેની અંદાજીત કિંમત રૂપિયા ૨,૬૧,૫૧૮/- મળી કુલ ૦૫,૦૨,૩૧૯ રૂપિયાના માલમત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો ફરાર થઇ ગયા હતા. કંપનીના સ્ટોર રૂમમાં મુકેલ પાંચ લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરીની જાણ થતાંજ ટી-વેન્ચર્સ કંપનીમાં કંપલાયન્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા સુપ્રીત વિનયશાહનાઓએ વાગરા પોલીસ મથકે દોડી જઇ ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. વાગરા પોલીસે ફરિયાદ નોંધી ચોરોનું પગેરું શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.