વડગામના કરમાવત તળાવ પ્રોજેક્ટ માટે સરકારે વહીવટી મંજૂરી આપી, બજેટમાં જાહેરાત ન થતા ખેડૂતો આંદોલનની તૈયારી કરી રહ્યા હતા
- 8:26 pm February 8, 2024
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા નજીક આવેલું કરમાવત તળાવ એ પાલનપુર અને વડગામ તાલુકાના 125 ગામોના ખેડૂતોની જીવાદોરી સમાન તળાવ છે. આ તળાવ પાણી વિહોણું બનતા આ વિસ્તારના 125 ગામોના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી આ તળાવ ભરવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ અગાઉ એક વખત તળાવ ભરવાની માંગ સાથે જળ આંદોલન કર્યા બાદ સરકાર દ્વારા આ તળાવ ભરવાની બાંહેધારી અપાઈ હતી પરંતુ તે બાદ વર્તમાન બજેટમાં કરમાવત તળાવની કોઈ જાહેરાત ન કરાતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો હતો અને ખેડૂતો ફરી વધુ એક વખત કરમાવત જળ આંદોલનની રણનીતિ ઘડી રહ્યા હતા. જોકે ખેડૂતો રણનીતિ તૈયાર કરે તે પહેલા જ જિલ્લાના ભાજપ આગેવાનોએ ખેડૂત આગેવાનોને સાથે રાખી સરકાર સાથે બેઠક કરાવી છે અને વહેલી તકે કરમાવત તળાવ ભરવાની પ્રક્રિયા હાથ ધરાય તેવી સરકાર તરફથી ખેડૂતોને બાંહેધરી અપાતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.જો કરમાવત તળાવમાં પાણી આવે તો 125 ગામોના ખેડૂતોના ખેતીના વ્યવસાય પર આવેલું સંકટ ટળી શકે તેમ છે.