વિધી કરવાના બહાને સોના-ચાંદીના દાગીના સાથે છેતરપીંડી કરી ભાગી ગયેલા પાંચ આરોપીઓને કાલોલ પોલીસે ઝડપી પાડયા

  • 6:05 pm February 9, 2024
સેહજાદ પઠાણ

 

કાલોલ તાલુકા વિસ્તારમાં આવેલા કરાના મુવાડા ગામે પાંચ મહિના પહેલા મદારીનો ખેલ કરવા આવેલા ઈસમોએ ગામના એક ખેડૂતને તમારા ઘરના સોના-ચાંદીના દાગીના પર કોઈની નજર બગડી છે તેથી એની વિધી કરવાને બહાને છેતરપીંડી આચરીને દાગીના સાથે ભાગી ગયેલા ઈસમોને કાલોલ પોલીસે પાંચ મહિનામાં ઝડપી પાડી એક પ્રસંશનીય કામગીરીને અનુરૂપ ગુનો ડિટેકટ કર્યો હતો.  

કાલોલ તાલુકાના સાતમણા ગ્રામ પંચાયતમાં આવેલા કરાના મુવાડા ગામમાં પાંચ મહિના પહેલા મદારીના ખેલ કરવા આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ ગામમાં મદારીના ખેલ બતાવી ગામના અર્જુનસિંહ જાલમસિંહ ચૌહાણના ઘર આંગણે બેસીને તમારા ઘરના સભ્યો જે દાગીના પહેરીને ગામમાં ફરે છે તેમની ઉપર કોઇ ખરાબ નજર પડેલી છે તેથી તમારા નાના છોકરાઓને આગળ તકલીફ થશે તેવુ કહી અમો આવી વિધી કરી આપીએ છીએ તેમ કહી ફરીયાદને વિશ્વાસ આપી તેઓના ઘરમાં રાખેલા સોના ચાંદીના દાગીના ઉપર વિધી કરવી પડશે તેવું કહીને વિધી કરવા માટે દાગીના લઈને જતા રહ્યા હતા જે પછી ફરી ક્યારેય દેખાયા નહોતા. જે સમગ્ર ઘટના અંગે અર્જુનસિંહ ચૌહાણે કાલોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ૦૫/૦૨/૨૦૨૪ના રોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે ગુનાની તપાસ દરમ્યાન કાલોલ પોલીસના હ્યુમન સોર્સીસ દ્વારા બાતમી મળી હતી કે મદારીના વેશમાં આવેલ ત્રણ ઈસમો તથા અન્ય બે સાગરીતો મળીને કુલ પાંચ આરોપીઓ બાલાસિનોર પાસે આવેલ હાંડીયા ચોકડી પાસે ભેગા થઈ નજીકના ગામોમાં મદારીનો ખેલ બતાવવા જાય છે તેવી બાતમીને આધારે કાલોલ પોલીસે સ્ટાફના માણસો સાથે બાતમી મુજબના સ્થળે તપાસ કરતા બાતમી મુજબના ઈસમોને પકડી પાડી કાલોલ પોલીસ સ્ટેશન લાવીને પાંચેય ઇસમોની અલગ-અલગ પુછપરછ કરતાં છેતરપીંડી કરીને લઈ ગયેલ સોના ચાંદીના પૈકી ચાંદીના દાગીના રાજુનાથ ચતુરનાથ મદારી (રહે. જુના હાંડીયા, ચોકડી પાસે તા-બાલાસિનોર જી-મહિસાગર)ના ઘરમાં સંતાડી રાખેલ છે તેવી કબૂલાતને આધારે પોલીસે રાજુનાથ મદારીના ઘરે જઈ ઝડતી તપાસ કરતાં રૂ. ૩૬, ૦૦૦ની અંદાજીત રકમના ચાંદીના દાગીનો મુદામાલ મળી આવ્યો હતો. કાલોલ પોલીસે મુદ્દામાલ રીકવર કરી લોકો સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીનો ગુન્હો આચરીને પાંચ મહિનાથી ફરારને અંતે

પકડાયેલ આરોપીઓ (૧) રાજુનાથ ચતુરનાથ મદારી (૨) સાવનનાથ રાજુનાથ મદારી (૩) કરણનાથ રાજુનાથ મદારી (૪) સાગરનાથ રાજુનાથ મદારી (ચારેય રહે. જુના હાંડીયા, તા-બાલાસિનોર જી-મહિસાગર) અને (૫) પ્રેમનાથ નટવરનાથ મદારી (રહે. કપડવંજ, કરશનપુરા ફળીયું તા-કપડવંજ જી.ખેડા)ની અટકાયત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.