ઢોલ્યાઉંબર ગામે જમીનમાં છીદંણી કરવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી અપાતા 4 સામે પોલીસ ફરિયાદ

  • 8:41 pm February 9, 2024
સુશીલ પવાર | ડાંગ

 

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ઢોલ્યાઉંબર ગામ ખાતે રહેતા દંપતિએ સર્વે નંબર ૧૦૫ વાળી જમીનમાં ખેતી કરી હતી. અને તેઓ ઝાડોની છીદંણી કરી રહ્યા હતા. ત્યારે ચાર જેટલા વ્યક્તિઓ અહી આવ્યા હતા અને ખેતી કરનાર દંપત્તિને માર મારી ખેતી કેમ કરે છે કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના ઢોલ્યાઉંબર ગામના કોઊભાઇ ઉર્ફે કાળુભાઇ સીતરભાઈ દેશમુખ અને તેમની પત્ની ભારજુબેન સર્વે નં.૧૦૫ વાળી જમીનમાં ખેતી માટે છીદંણી કરી રહ્યા હતા. તે વેળાએ તેમના ગામના જ દિલીપભાઈ સુકીરાવભાઇ બરડે તથા દિપક ભાઈ સુકીરાવભાઈ બરડે તથા હનીફભાઈ સુકીરાવભાઇ બરડે તેમજ એબુબેન એમ ચાર વ્યક્તિ આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે,આ તમારી જમીન નથી આ અમને લખી આપેલ છે.ત્યારે દંપતીએ કહ્યુ હતુ કે,આ જમીન બાપુજી સીતરભાઈ બયાજુભાઈ દેશમુખ અને  મા ગંગુબેન સીતરભાઈ દેશમુખની છે. અને અમો વારસદાર છીએ. તથા જમીન સર્વે નં.૧૦૫ માં હકપત્રક ૬૬માં હકદાર તરીકે છીએ.અને સીધી લીટીનો વારસદાર તરીકે નામ ચાલી આવેલ છે. જે બાદ બંને પક્ષો વચ્ચે  મામલો ઉગ્ર બન્યો હતો.અને ઝઘડો થયો હતો ત્યારે ચારેય વ્યક્તિઓએ આ દંપત્તિને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે સમગ્ર મામલો આહવા પોલીસ મથકે પહોંચ્યો હતો.હાલમાં આહવા પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.