નિયમોને નેવે મુકનાર સાયખા GIDCની 2 કંપની સહિત 1 કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી: કંપનીએ CCTV કેમેરા ન લગાવ્યા, કોન્ટ્રાક્ટરે લેબરોની નોંધણી ન કરાવી

  • 9:06 pm February 9, 2024
નઈમ દિવાન

 

વાગરાની સાયખા GIDC સ્થિત મુગટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક નિકુંજભાઈ મહેન્દ્રભાઈ પટેલ તેમજ નિરવા પિગમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક વિનોદ પ્રવીણ પડસુરીયા સહિત જગશન કલરકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ચાલતા માધવ કન્ટ્રક્શનના માલિક અરશી ભાઈ કંડોરીયાને વાગરા પોલીસનું તેડું..

વાગરા તાલુકામાં આવેલ સાયખા GIDC ની અલગ-અલગ ત્રણ કંપની વિરુદ્ધ જાહેરનામાભંગનો ગુનો નોંધાતા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઔદ્યોગિક હબ ગણાતા સાયખા GIDCમાં અનેકો કંપનીઓ આકાર પામી છે. કંપનીઓમાં સેંકડો પરપ્રાંતીય કામદારો કામ કરી રહ્યા છે. ત્યારે કેટલીક વાર ચોરી, ધાડ, લૂંટ સહિતના અનેક બનાવો ભૂતકાળમાં બનેલ હોઈ જેની ગંભીરતા દાખવી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કંપનીમાં CCTV કેમેરા લગાવવા, કોન્ટ્રાકટ અથવા કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય કામદારોની સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરાવવા સહિતના કેટલાક નિયંત્રણો જારી કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની અમલવારી કરાવવા વાગરા પોલીસ સ્ટાફના માણસો સાયખા GIDC વિસ્તારમાં એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી અંગે વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન 2 કંપનીઓમાં CCTV ન લગાવવા બદલ તેમજ 1 કંપનીમાં કોન્ટ્રાક્ટરે પરપ્રાંતીય લેબરોની નોંધણી ન કરી હોવાનું જણાતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લા સમાહર્તાના જાહેરનામાંની અવગણના કરનાર નિરવા પિગમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિરુદ્ધ નોંધાયો ગુનો

વાગરા પોલીસ સ્ટેશનમાં તારીખ ૦૮/૦૨/૨૦૨૪ ના રોજ નોંધાયેલ ફરિયાદ મુજબ વાગરા પોલીસ સ્ટાફના માણસો એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી અંગે સાયખા GIDC વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાયખા GIDC ના પ્લોટ નંબર ડી.પી ૧૦ માં આવેલ નિરવા પિગમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓફિસ બિલ્ડીંગમાં જઈ ચેક કરતા કંપનીના માલિક તરીકેની ઓળખ આપનાર વિનોદ પ્રવીણ પડસુરીયા જેઓને સાથે રાખી કંપની સંકુલ સહિત આજુબાજુમાં ચેક કરતા કોઈ પણ જગ્યાએ CCTV કેમેરા લગાવેલ ન હોવાનું માલુમ પડતા પોલીસે ઇપીકો કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધી નિરવા પિગમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક વિનોદ પ્રવીણ પડસુરીયાનાઓને વાગરા પોલીસ મથકે હાજર રહેવા સૂચના આપી હતી.

કંપનીમાં CCTV ન લગાવી જાહેરનામાનો ભંગ કરનાર મુગટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક વિરુદ્ધ નોંધાયો ગુનો..

આવીજ રીતે બીજી ફરિયાદમાં સાયખા GIDC માં આવેલ મુગટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે મુગટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. જ્યાં હાજર કંપનીમાં કામ કરતા પોપટભાઈ મનસુખભાઇ કામોળનાઓને સાથે રાખે પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં કંપની સહિત આજુબાજુમાં પણ કોઈ જગ્યાએ CCTV કેમેરા લગાવેલ ન હોવાનું ધ્યાને આવતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી મુગટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક નિકુંજભાઈ મહેન્દ્રભાઈ પટેલનાઓને વાગરા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા સૂચના આપી હતી.

પરપ્રાંતિય લેબરોની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી નહી કરાવનાર માધવ કન્ટ્રક્શનના માલિકને પોલીસનું તેંડુ

નિયમોને નેવે મુકનાર અન્ય એક કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ જાહેરનામા ભંગની ત્રીજી ફરિયાદ વાગરા પોલીસ ચોપડે નોંધાઈ હતી. નોંધાયેલ ફરિયાદ અનુસાર વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાયખા GIDC માં આવેલ જગશન કલરકેમ પ્રાઇવેટ લિમિટેડનામની કંપનીમાં ચેકીંગ કર્યું હતું. જ્યાં કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી. જ્યાં હાજર યોગેન્દ્રકુમાર શિવનંદન પ્રસાદ નામના ઇસમને બોલાવી પૂછતાછ કરતા માધવ કન્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હોય અને પોતે માધવ કન્ટ્રક્શનમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે હાજર ઈસમ પાસે પોલીસ વેરિફિકેશનના કાગળો માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું. પરપ્રાંતીય લેબરો રાખી પોલીસમાં નોંધણી ન કરાવનાર માધવ કન્ટ્રક્શનના માલિક અરશી ભાઈ કંડોરીયા વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. તેમજ માધવ કન્ટ્રક્શનના માલિક અરશી ભાઈ કંડોરીયાને વાગરા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે CCTV લગાવવાથી કંપનીની સુરક્ષામાં વધારો થાય છે. તેમજ કોઈ ઘટના બને અથવા તો ચોરી થાય તેવા સમયે પોલીસ તપાસ માટે પણ CCTV મહત્વની ભૂમિકામાં હોઈ છે. છતાંય કેટલાક કંપની સંચાલકો આમ કરવામાં ઢીલાશ દાખવતા હોઈ છે. કારણ કે કેટલા બેફામ ઉદ્યોગકારો સહિત કંપનીમાં કરતા મોટા ખિસ્સાના કર્મચારીઓ કંપનીમાં ગેરકાયદેસર કેમિકલ સગેવગે કરતા હોય છે. તો કેટલીક કંપનીઓમાં કંપનીનાજ મોટા માથાઓ સાથે મળી કેમિકલ તેમજ સ્ક્રેપ સહિતના માલ-સામાનની ચોરી કરતા હોઈ છે. આવીજ અનેક ગેરરીતિઓને અંજામ આપવાના હેતુસર પણ કેટલીક કંપનીઓમાં CCTV ન લગાવતા હોવાની ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી ઉઠવા પામી છે.