કોઠીયા ગામની સીમમાં ખુલ્લા પ્લોટમાંથી 90 હજારના દરવાજાની ચોરી; ટૂંકા સમયગાળામાંજ ચોરીની ત્રીજી ઘટના

  • 9:22 pm February 9, 2024
નઈમ દિવાન

 

ટી-વેન્ચર્સ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ હજી ઉકેલાયો નથી તેવામાં અન્ય એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં સાયખા-કોઠીયા રોડની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં મુકેલ દરવાજાઓ તસ્કરો ઉઠાવી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત તારીખ ૦૭/૦૨/૨૦૨૪ થી ૦૮/૦૨/૨૦૨૪ ના સમયગાળા દરમિયાન કોઠીયા ગામની સીમમાં સાયખા-કોઠીયા રોડની સાઈડમાં આવેલ વિરાજસિંહ જ્યોતીન્દ્રસિંહ રાજનાઓના પ્લોટમાં ખુલ્લામાં મુકેલ લોખંડના ૬.૫ × ૩.૫ લંબાઈ × પહોળાઈના અંદાજીત ૯૦ કિલોગ્રામના દરવાજા જેની આશરે કિંમત રૂપિયા ૪,૫૦૦ /- એવા અંદાજીત ૯૦,૦૦૦ રૂપિયાની કિંમતના ૨૦ લોખંડના દરવાજાઓ તસ્કરો ઉઠાવી ગયા હતા. ચોરી થઈ હોવાનું માલુમ પડતાજ ફરિયાદીએ વાગરા પોલીસ મથકે ચીરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન તસ્કરો જાણે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ એકબાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ગત ૧૨ મી જાન્યુયારીના રોજ સાયખા GIDC સ્થિત એક્ટીમો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ચોરીની ઘટના બની હતી. જેમાં રાત્રીના અંધારાનો લાભ લઇ તસ્કર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરો કંપનીના પાછળના ભાગેથી દીવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કરી કંપનીના પ્લાન્ટ એરિયામાં ખુલ્લામાં મુકેલ કોપર કેબલના દ્રમમાંથી અંદાજીત કિંમત રૂપિયા ૧,૭૨,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે વાગરા પોલીસે ચોરીમા ગયેલ તમામ મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ટૂંકજ સમયમાં જડપી પાડ્યા હતા. ત્યાર બાદ ગત તારીખ ૨૧/૦૧/૨૦૨૪ થી ૨૩/૦૧/૨૦૨૪ ના સમયગાળા દરમિયાન સાયખા GIDC સ્થિત ટી-વેન્ચર્સ નામની કંપનીના સ્ટોર રૂમમાં મુકેલ અલગ-અલગ કુલ ૦૬ પ્રકારના મુદ્દામાલ ઉપર તસ્કરોએ હાથફેરો કર્યો હતો. અંદાજિત પાંચ લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો ફરાર થઇ જતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનાનો ભેદ હજી ઉકેલાયો નથી તેવામાં ફરી તસ્કરો સક્રિય થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જોકે હાલ તો વાગરા પોલીસે ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.