લોકસભા ચૂંટણીના ૮૮ મદદનીશ ચૂંટણી અધિકારીઓના પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનો બીજો તબક્કો સંપન્ન..
- 9:59 pm February 9, 2024
તાલીમ કાર્યક્રમના બીજા તબક્કામાં ભારતના ચૂંટણી પંચના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે રાજ્યના ૮૮ મદદનીશ ચૂંટણી અધિકારીઓને તાલીમ
રાજ્યકક્ષાના તાલીમ કાર્યક્રમના સમાપન પૂર્વે ભારતના ચૂંટણી પંચ દ્વારા તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓનું ઑનલાઈન મૂલ્યાંકન કરવામાં આવ્યું
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે રાજ્યકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તા.૦૯ જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલા બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા ૮૮ જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સંબંધી તાલીમ આપવામાં આવી હતી.
તા.૦૯ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયેલા આ પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમમાં મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઉમેદવારી પત્રો અને તેને સંલગ્ન બાબતો, EVM-VVPATના સંગ્રહ-પરિવહન અને જાળવણી, મતદાન મથકને લગતી બાબતો, મતદાનના દિવસની વ્યવસ્થાઓ, પોલીંગ સ્ટાફ, આદર્શ આચારસંહિતા, પોસ્ટલ બેલેટ, મતગણતરી અને પરિણામોની જાહેરાત, પેઈડ ન્યૂઝ, મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરીંગ કમિટી, આઈ. ટી. ઍપ્લિકેશન્સ તથા ખર્ચ નિરિક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી. ભારતના ચૂંટણી પંચ દ્વારા ઘડવામાં આવેલા નિયમો, તેને અનુરૂપ અદ્યતન સૂચનાઓ અને નિયત ચૂંટણી પ્રક્રિયાઓ થકી ચૂંટણીઓનું સરળ સંચાલન સુનિશ્વિત કરવા ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર અને રાજકોટ ખાતે તા. ૦૫મી ફેબ્રુઆરી, ૨૦૨૪થી તા. ૦૯મી ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી યોજાયેલા આ બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા ૮૮ જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ચૂંટણીની કામગીરી સંબંધિત તમામ વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ કાર્યક્રમના સમાપન પૂર્વે ભારતના ચૂંટણી પંચ દ્વારા તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓનું ઑનલાઈન મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું.