પાટણ જિલ્લાની ચાર વિધાનસભા મતવિસ્તાર પર કુલ 954 આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા વડાપ્રધાન

  • 9:17 pm February 10, 2024
અનિલ રામાનુજ

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે રૂ.2,993 કરોડનાં ખર્ચે રાજ્યમાં 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત

પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત

આજે લાખો લોકોને પોતાનું ઘર મળી રહ્યું છે તે બદલ વડાપ્રધાનનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છેઃ મંત્રી બળવંતસિંહ રાજપૂત

ઘરનું ઘર હોવું એ દરેકનું સપનું હોય છે. ગામમાં પોતાનુ ઘર હોય તો વ્યક્તિ સ્વમાનભેર જીવન વ્યતીત કરી શકે છે. તેથી છેવાડાનાં દરેક લોકોને પોતાનુ ઘર મળી રહે તે માટે વડાપ્રધાન એ આવાસને લગતી અનેક યોજનાઓ અમલમાં મુકી છે. આજરોજ વિકસિત ભારત-વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.2,993 કરોડના ખર્ચે 1,31,450 થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. 

જે અંતર્ગત પાટણ જિલ્લાની ચાર વિધાનસભા મતવિસ્તાર પર વિવિધ લાભાર્થીઓને આવાસ યોજનાનાં લાભથી લાભાન્વીત કરવામાં આવ્યા હતા. આજરોજ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિવિધ લાભાર્થીઓએ પોતાને મળેલા લાભ વિશે પ્રતિભાવો આપ્યા હતા. તેમજ મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) તેમજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રતિકરૂપે આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી. સિદ્ધપુરના ધરણીધર પાર્ટી પ્લોટ ખાતે આયોજીત કાર્યક્રમમાં કુલ 6 લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભ વિતરણ કરવામાં આવ્યું હતુ. 

પાટણ જિલ્લાના પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, રાધનપુર ખાતે યોજાયેલ સમાંતર કાર્યક્રમોમાં કુલ 954 આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતાં. પાટણમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત 100 ગામોમાં 195 લાભાર્થીઓના આવાસોના ઈ-લોકાર્પણ, રાધનપુરમા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત 131 ગામોમાં 296  લાભાર્થીઓના આવાસોના ઈ-લોકાર્પણ, સિદ્ધપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત 91 ગામોમાં 133 લાભાર્થીઓના આવાસોના ઈ-લોકાર્પણ, ચાણસ્મામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત 147 ગામોમાં 330 લાભાર્થીઓના આવાસોના ઈ-લોકાર્પણ માન.વડાપ્રધાનશ્રીના હસ્તે કરવામાં આવ્યા હતા.

આજના કાર્યક્રમમાં ડીસા ખાતે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચુઅલ ઉપસ્થિત રહીને રીમોટનું બટન દબાવીને લાખો લોકોના ઘરે દિવાળીનો માહોલ બનાવી દીધો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજે પાટણ જિલ્લાના કાર્યક્રમોમાં લોકોએ લાઈવ સાંભળ્યા હતા. 

જિલ્લાના સિદ્ધપુર ખાતે આયોજીત કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સંબોધન કરતા જણાવ્યું હતુ કે, આજે સમગ્ર દેશ માટે ઐતિહાસીક દિવસ છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એકસાથે 1,31,450 થી વધુ લોકોના આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું છે. વડાપ્રધાન જ્યારે દેશના તમામ નાગરિકોની નાનામાં નાની બાબતોની ચિંતા કરતા હોય ત્યારે તેઓનો આભાર માનીએ તેટલો ઓછો છે. આજે દેશના તમામ લોકોને ન માત્ર આવાસ પરંતુ તેમાં વીજળી, ચોખ્ખુ પાણી, શૌચાલય, ગેસ કનેક્શન વગેરે જેવી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. આજે ગામ, શહેર, ગલીઓ સ્વચ્છ રહે તે માટે વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. આજે દરેક લોકોનાં બેન્કમાં અકાઉન્ટ છે. આજે કોઈ વ્યક્તિ આરોગ્યની સુવિધાઓથી વંચિત નથી રહેતું. આપણે કલ્પના પણ ન કરી શકીએ તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. આ બધું જ સૌના પ્રયાસથી શક્ય બન્યું છે. આજે કેન્દ્ર સરકારની 17 અને રાજ્ય સરકારની કુલ 28 યોજનાઓ જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોના ઘર આંગણે પહોંચી હોય તો તે માત્ર સૌના પ્રયાસથી શક્ય બન્યું છે. હું આપ સૌને કહેવા માંગુ છુ કે આપે યોજનાઓનો લાભ લીધો હોય અને આપની આજુબાજુ કોઈ વ્યક્તિ યોજનાઓના લાભથી વંચિત રહી ગયું હોય તો તેને લાભ લેવા માટે સમજાવજો તેની મદદ કરજો. આજે સંકલ્પ લઈએ કે પાટણ જિલ્લાનો કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિ યોજનાકીય લાભથી વંચિત ન રહી જાય. આવો સૌ સાથે મળીને ભારતને વધુ મજબુત અને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસ કરીએ.