રન ફોર વોટ મેરેથોનઃ પાટણ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે તા.24 ફેબ્રુઆરીના રોજ મેરેથોનનું આયોજન

  • 6:00 pm February 12, 2024
અનિલ રામાનુજ | રાધનપુર

 

પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓને જાગૃત કરવા માટે "બલૂન આવે છે" કેમ્પેઈન ચાલાવવામાં આવશે

મહિલાઓને મતદાન કરવા માટે પ્રેરીત કરવા અર્થે "મારી માતા, દેશની ભાગ્યવિધાતા" કેમ્પેઈન

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિને અનુલક્ષીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં મતદાન જાગૃતિ માટે મેરેથોનનું આયોજન કરવું તેમજ વિવિધ કેમ્પેઈન ચલાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જે મુજબ પાટણ જિલ્લાના મુખ્ય મથક પાટણ ખાતે આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચુંટણી 2024 ને ધ્યાને લઈ મતદાન જાગૃતિના ભાગરૂપે તથા વધુમાં વધુ લોકો મતદાનમાં ભાગીદારી નોંધાવીને લોકશાહીને વધુ મજબુત બનાવે તે અર્થે પાટણ ખાતે આગામી તા.24/02/2024 ના રોજ સવારે 7-30 કલાકે રન ફોર વોટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 

આગામી દિવસોમાં તમામ તાલુકા ખાતે રન ફોર વોટ મેરેથોનનું આયોજન કરવામાં આવનાર છે. પાટણના બગવાડા દરવાજા થી શરૂ કરી રેલ્વેસ્ટેશન થઈ પાછી બગવાડા દરવાજા સુધી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વધુ ને વધુ લોકો ને આ મેરેથોન માં ભાગ લેવા માટે આહવાન છે. વધુમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સાથે મહિલા મતદારોને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને મહત્તમ મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવે તે અર્થે "મારી માતા, દેશની ભાગ્યવિધાતા" અને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહેલ યુવા મતદારોને સાહભાગી બનાવવા  "બલૂન આવે છે" કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. લોકોને બહોળા પ્રમાણમાં જોડાવવા તથા મતદાનમાં ભાગીદારી નોંધાવવા અપીલ કરવામાં આવે છે.