સમી તાલુકાના વરાણા ધામ ખાતે માં ખોડિયારને શીશ નમાવવા ભક્તોનો પ્રવાહ શરૂ: લોકમેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઊમટી

  • 6:06 pm February 12, 2024
અનિલ રામાનુજ | રાધનપુર

 

મહા સુદ બીજથી પુનમ સુધીના મિની કુંભમેળામાં દર્શનાર્થે લોકો પગપાળા, સંઘ મારફતે, તેમજ વાહનો મારફતે આવી રહ્યા છે

માં ખોડીયાર ના મંદિરે  શ્રધ્ધા તેમજ પ્રસાદી રૂપે  તલ ખાંડ તેમજ ગોળ અને તલ ની સાંની ની પ્રસાદી ધરાવી શ્રધ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે.

પાટણ જિલ્લાના સમી તાલુકાના સુપ્રસિદ્ધ વરાણા ધામ ખાતે માં ખોડિયાર ને શીશ નમાવવા ભક્તો નો પ્રવાહ શરૂ થયો છે.આયોજિત લોકમેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઊમટી રહી છે. સમગ્ર ગુજરાત સહિત દેશના ખૂણે ખૂણે થી ભાવિ ભક્તો નો ઘસારો જોવા મળી રહ્યો છે.તો વઢીયાર પંથકમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ વરાણા ખાતે આવેલ ખોડીયાર માતાજી ના મંદિરે  ૧૫ દિવસીય મેળા ની શરૂઆત થતાંની સાથેજ લોકો નો પ્રવાહ પણ વધી રહ્યો છે.અને મહા સુદ બીજ થી પુનમ સુધી ના મિની કુંભમેળા માં દર્શનાર્થે લોકો દ્વારા પગપાળા, સંઘ મારફતે, તેમજ વાહનો મારફતે આવી માં ખોડીયાર ના મંદિરે શીશ નમાવી શ્રધ્ધા તેમજ માનગત મુજબ તલ ખાંડ તેમજ ગોળ અને તલ ની સાંની ની પ્રસાદી ધરાવી ધન્યતા અનુભવી રહ્યા છે.

હિન્દુ ધર્મમાં વ્રત તપ ની સાથે સાથે દેવી દેવતાઓનુ પણ અનેરૂ મહત્વ રહેલું છે.ત્યારે દેશના વિવિધ જગ્યાએ આવેલ યાત્રાધામો પર લોકો પોતાની આગવી શ્રધ્ધા ધરાવતા હોય છે.ત્યારે વઢીયાર પંથકમાં આવેલ સમી તાલુકાના વરાણા ખાતે આવેલ માં ખોડીયાર માતાજી ના મંદિરે મહા સુદ બીજ થી શરૂ થતા મીની કુંભ સમાન મેળા માં ઠેર ઠેર થી લોકો પોતાની બાધા પુર્ણ કરવા સાંનીની પ્રસાદ લઇને આવે છે.અને વરાણા ધામ ખાતે મેળાના ત્રીજા દિવસે પણ હાઇવે પર સંઘો મારફતે તેમજ વાહનો લઇને ભક્તો ના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા.તેમજ જય જય ખોડીયાર ના નાદ થી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

લોકમેળા દરમિયાન મહા સુદ બીજ થી પુનમ સુધી આશરે 25 લાખ થી વધુ માઇ ભકતો દર્શન નો લ્હાવો લેતા હોય છે.તદ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ, હોમગાર્ડ જવાનો ખડેપગે હાજર રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પ્રયત્નશીલ જોવા મળ્યાં છે. યોજાયેલ લોકમેળામાં માં નાના ભૂલકાઓ માટે અવનવા ચકડોળ અને ઘર વખરી સામાન થી લઈને અનેક સ્ટોલ જોવા મળી રહ્યા છે. જે લોકો માતાજી નાં દર્શન કરી મેળા ની મોજ માણતા નજરે ચડ્યા છે.તો બીજી તરફ વઢયાર વિસ્તારના લોકો પોતાની પરંપરા મુજબ માં ખોડલ ને સાની નો પ્રસાદ ચડાવી ધન્યતા અનુભવી રહ્યા છે. આમ, પાટણ જિલ્લાના સુપ્રસિધ્ધ વરાણા ધામ માં ખોડીયાર માતાજીના દર્શનાર્થે સમગ્ર ભારતભર થી લોકો આવી રહ્યા છે.તેમજ  સતત ત્રીજા દિવસે પણ મોટી સંખ્યામાં લોકોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.