કાલોલના મલાવ રોડ સ્થિત દોલતપુરા ગામ પાસેથી પસાર થતી ૧૧ હજાર કેવીની લાઈન પરથી અજાણ્યા તસ્કરો ટ્રાન્સફોર્મર પણ ચોરી ગયા

  • 6:21 pm February 12, 2024
સેહાજાદ પઠાણ

કાલોલ-મલાવ રોડ સ્થિત દોલતપુરાની સીમમાંથી પસાર થતી ૧૧ હજાર કેવીની ચાલુ વીજલાઈન પરથી રવિવારે રાત્રીના સુમારે કોઈ અજાણ્યા તસ્કરોએ ટ્રાન્સફોર્મર ચોરી જતાં ચોરોના પરાક્રમ અંગે ભારે કૌતુક સર્જાયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના મલાવ રોડ સ્થિત દોલતપુરાની સીમમાંથી પસાર થતી કાલોલ એમજીવીસીએલના મલાવ ફિડરની ચોવીસ કલાકની ૧૧ હજાર કેવીની વીજ લાઈન પર આવેલ મેદાપુર પંચાયત વિસ્તારમાં અને દોલતપુરા ગામ પાસે રોડ પર આવેલા કેટલાક પોલ્ટ્રી ફોર્મનો વીજ પુરવઠો પૂરો પાડવા એક અલગ ટ્રાન્સફોર્મર આપેલું હતું. જે રવિવારે રાત્રીના સુમારે કોઈ અજાણ્યા ચોર ઇસમોએ ચાલુ વીજલાઈન પરથી આખું ટ્રાન્સફોર્મર ચોરી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સોમવારે સવારે પોલ્ટ્રી ફોર્મ ધરાવતા ખેડૂતો તેમના પોલ્ટ્રી ફોર્મનો વીજ પુરવઠો બંધ થઈ જતાં ટ્રાન્સફોર્મર ફીટ કરેલા થાંભલાઓ પરથી ટ્રાન્સફોર્મર ગાયબ હોવાનું જોતાં ખેડૂતોએ કાલોલ એમજીવીસીએલ વિભાગને જાણ કરી હતી. જે ટ્રાન્સફોર્મર ચોરીની ઘટના અંગે કાલોલ એમજીવીસીએલ વિભાગે કાલોલ પોલીસને જાણવા જોગ ફરિયાદ નોંધાવી વીજ પુરવઠો યથાવત કરવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ એમજીવીસીએલ વિભાગની વીજલાઈનો પૈકી ગત વર્ષે શક્તિપુરા ગ્રામ પંચાયત વિસ્તારની વીજલાઇનાના ૩૫ જેટલા વીજથાંભલાઓને જોડતા વીજવાયરો ચોરી ગયા હતા જે ઘટનાના છ મહિના પછી તાજેતરમાં ચાલુ વીજલાઈન પરથી ટ્રાન્સફોર્મર ચોરી કરી જવાની ઘટના ઘટતા સમગ્ર પોલીસ તંત્ર અને એમજીવીસીએલ વિભાગ ચોંકી ઉઠયું છે.