ગઢડા(સ્વામીના) શિક્ષાપત્રી મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ યોજાશે

  • 7:40 pm February 12, 2024
હેમેન્દ્ર મોદી | ગઢડા

 

ગઢડા(સ્વામીના) મુકામે સહુ પ્રથમ બનેલા ભવ્ય શિક્ષાપત્રી મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ અને 198 મી શિક્ષાપત્રી જયંતિની ઉજવણી નિમિત્તે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો તારીખ 14 ફેબ્રુઆરી વસંત પંચમીના દિવસે ધામધૂમથી ઉજવવામાં આવશે.

ગઢડાના બોટાદ રોડ ખાતે ગુરૂકુળના શાસ્ત્રી સ્વામી ભકતિપ્રિયદાસજી દ્વારા  નવ્ય-ભવ્ય કલાત્મક ગુલાબી પથ્થરથી શિખરબંધ શિક્ષાપત્રીનું મંદિર બંધાવી ગત વર્ષે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે શિક્ષાપત્રી લેખક સ્વામિનારાયણ ભગવાન તથા સુવર્ણ શિક્ષાપત્રી સ્વરૂપની મૂર્તિ તથા નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ વિગેરે દેવોનો પ્રતિષ્ઠા વિધિ કરી ભવ્ય મહોત્સવ ઉજવ્યો હતો. આ શિક્ષાપત્રી મંદિરના દેવોનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ વસંતપંચમીના રોજ ૧૯૮મી શિક્ષાપત્રી જયંતિ ના દિવસે તા.14-2-2024, બુધવારે પ્રતિષ્ઠિત દેવોના રાજોપચાર મહાપૂજન સાથે જે તે દેવોના મુખ્ય યજમાનો, ઉપયજમાનો અને સહયજમાનોના શુભ હસ્તે સુંદર પુષ્પાભિષેક કરવામાં આવશે. તેમજ ૧૯૮મી શિક્ષાપત્રી જયંતિના ઉપક્રમે 198 સંકલ્પ સિદ્ધ હોમાત્મક શિક્ષાપત્રી સ્વરૂપનું રાજોપચાર મહાપૂજન થશે. તેમાં મહાપૂજનના મુખ્ય યજમાનો, ઉપયજમાનો અને સહયજમાનો “સંકલ્પ સિદ્ધ મહાપૂજન' નો અલભ્ય લાભ લેશે. આ પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે દેવોનું રાજોપચાર મહાપૂજન, પુષ્પાભિષેક, હોમાત્મક મહાપૂજન, પ્રસાદીની શિક્ષાપત્રીનો ડ્રાયફુટ અભિષેક, અન્નકુટોત્સવ, સત્કાર સમારંભ, સત્સંગ સભા, સંતોના આશીર્વાદ, શાકોત્સવ, મહાપ્રસાદ, બ્રહ્મ ભોજન, ગાયોનો ઘાસચારો, પક્ષીઓને ચણ વગેરેનો અલભ્ય લાભ લેવા કોઠારી સ્વામી ભક્તિતનયદાસજી તથા પુરાણસ્વામી હરિકૃષ્ણદાસજી તરફથી હરિભક્તોને અનુરોધ કરવામાં આવેલ છે.