રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને સુરતની SVNITનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાયો

  • 8:01 pm February 12, 2024

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ:-

◆» દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારીશક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ:
◆» એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓના વધતું પ્રમાણ એ દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત
◆» તેજસ્વી યુવાનો A.I. અને મશીન લર્નિંગ જેવી નવીનતમ તકનીકોની વૈશ્વિક દોડમાં ભારતને અગ્રસ્થાને લઈ જવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

નવા ઉદ્યોગો અને રોજગારનું સૃજન કરવામાં ટેકનોલોજીકલ જ્ઞાન અને ટેકનિકલ સ્કીલનો વિનિયોગ કરવા યુવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિનું આહ્વાન

પોતાના માટે જે સારૂ ઈચ્છો તેવું જ અન્યો માટે ઈચ્છો તે જ ધર્મ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

૧૨ વિદ્યાશાખાના ૧૪૩૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત: ૨૨ વિદ્યાર્થીઓ અને ૬ વિદ્યાર્થિનીઓ મળી કુલ ૨૮ તેજસ્વી વિદ્યાર્થીઓને સ્વહસ્તે ગોલ્ડ મેડલ અર્પણ કરતા રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી(SVNIT)ના ૨૦મા પદવીદાન સમારોહના અધ્યક્ષસ્થાનેથી દીક્ષાંત પ્રવચન કરતા એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારીશક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોવાનું જણાવી રાષ્ટ્રપતિશ્રીએ નવા ઉદ્યોગો અને રોજગારનું સૃજન કરવામાં ટેકનોલોજીકલ જ્ઞાન અને ટેકનિકલ સ્કીલનો વિનિયોગ કરવા યુવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. 

રાષ્ટ્રપતિશ્રી અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ૧૪૩૪ પદવીઓમાં ૧૨૬ પી.એચ.ડી., ૮૦૫ બી.ટેક., ૩૫૫ એમ.ટેક, ૧૪૮ પાંચ વર્ષની ઈન્ટીગ્રેટેડ એમ.એમ.સી.ના વિદ્યાર્થીઓ ઉપરાંત ૨૨ વિદ્યાર્થીઓ અને ૬ વિદ્યાર્થિનીઓ મળી કુલ ૨૮ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. પદવી મેળવનાર કુલ ૧૪૩૪ વિદ્યાર્થીઓ પૈકી ૨૯૩ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. તમામ ગોલ્ડ મેડાલિસ્ટને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અર્પણ કરાયા હતા.

વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિશ્રીએ વધુમાં જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પુરતુ નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે, ત્યારે SVNITના ધ્યેયસૂત્ર 'વિજ્ઞાનં સારથિ ન: સ્યાત' ને અનુસરી નવા વિચારો, નવી ઉર્જા અને નવા આત્મ વિશ્વાસ સાથે દેશના ઉત્કર્ષના સારથિ બનવા અનુરોધ કર્યો હતો. 

કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરીને દેશના વિકાસમાં યોગદાન આપવા ભારપૂર્વક જણાવી રાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું કે, તમારી સફળતા પાછળ માત્ર સખ્ત પરિશ્રમ જ નહીં પરંતુ માતાપિતાનો સહકાર, પ્રાધ્યાપકોનું માર્ગદર્શન પણ ચાલક બળ હોય છે. જેથી માતાપિતા, વતન અને માતૃ સંસ્થાની જડ સાથે જોડાયેલા રહેવાની ટકોર કરી હતી.  

પદવી ગ્રહણ કરનાર સૌ યુવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવતા રાષ્ટ્રપતિશ્રીએ ઉપસ્થિત સૌ મેધાવી વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) અને મશીન લર્નિંગના ઉભરતા ક્ષેત્રમાં પદાર્પણ કરી AI ટેકનોલોજીને દેશના વર્તમાન અને ભાવિને વધુ ઉજ્જવળ બનાવવા કહ્યું હતું. 

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દેશના વિકાસ માટે AI ટેક્નોલોજીના ઉપયોગની અભિનવ પહેલો કરી રહી છે, ત્યારે SVNIT જેવી ટેક્નોલોજી સંસ્થાઓ કોર્પોરેટ સેક્ટર, એનજીઓ અને સંશોધન સંસ્થાઓ સાથે મળીને દેશના ‘એઆઈ સ્કિલ ગેપ’ને ઘટાડવા માટે કામ કરે તે અતિ આવશ્યક છે. તેજસ્વી યુવાનો એઆઈ અને મશીન લર્નિંગ જેવી નવીનતમ અને ઝડપથી બદલાતી તકનીકોની વૈશ્વિક દોડમાં ભારતને અગ્રસ્થાને લઈ જવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ પણ શ્રીમતી મુર્મુજીએ વ્યક્ત કર્યો હતો.  

તેમણે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામની  આ પ્રતિષ્ઠિત સંસ્થાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સરદાર પટેલજી દેશની એકતાના પ્રતિક છે. સરદાર સાહેબના જીવન આદર્શોમાંથી દ્રઢ નિશ્ચય, સમર્પણ અને રાષ્ટ્રભાવનાના મૂલ્યોને અપનાવીને જીવનના સૌથી મુશ્કેલ લક્ષ્યોને પણ સરળતાથી પ્રાપ્ત કરી શકશો એમ ઉપસ્થિત યુવાશક્તિને પ્રેરણા આપતા કહ્યું હતું. 

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પદવીદાન સમારોહમાં ડિગ્રી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દિક્ષા અર્પણ કરી અંતમાં 'સત્યંવદ, ધર્મં ચર અને સ્વાધ્યાયાં મા પ્રમદ:'- સત્ય બોલવા, ધર્મનું આચરણ અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. 

તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ધર્મ એટલે પોતાના માટે જે સારું ઈચ્છો તેવું જ બીજાના માટે ઈચ્છો તે જ ધર્મ છે તેમ જણાવી સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા તેમણે જણાવ્યું હતુ. 

રાજયપાલશ્રીએ વિદ્યાર્થીઓને મહામૂલી શીખ આપતાં જણાવ્યું હતું કે, વાદળ વર્ષારૂપે વરસીને જેમ ધરતીની તરસ છીપાવે છે તે જ રીતે પોતાના જ્ઞાનની વર્ષાથી જ્ઞાનપિપાસુ લોકોની પ્યાસ સંતોષજો. તેમણે માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવોનો આપણો સંસ્કૃતિ ભાવને હ્રદયમાં ઉતારવો જોઈએ.
              
સમાજ-રાજય અને રાષ્ટ્રને નવલોહિયા યુવાઓ પાસે ખુબ મોટી અપેક્ષાઓ છે, ત્યારે યુવાશક્તિને સતત અભ્યાસથી કારકિર્દીને નિરંતર ઉજ્જવળ બનાવવાનો પુરૂષાર્થ જ સફળતાના શિખર સુધી લઈ જશે. એમ જણાવી રાજ્યપાલશ્રીએ શક્તિ, સ્વભાવને અનુરૂપ વિનમ્ર વ્યવહાર કેળવવાનો પ્રયત્ન કરી સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટે સંકલ્પબદ્ધ થવાનું આહ્વાન કર્યું હતું. 
             
SVNITના ડિરેક્ટર ડો.અનુપમ શુક્લાએ પોતાના સંબોધનમાં SVNITના હકારાત્મક અભિગમના કારણે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવા આયામો સર કરી રહી છે એમ જણાવી ઇન્સ્ટીટયુટની કાર્યક્ષમ ટીમના પ્રયાસોથી આ સંસ્થા ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણધામના રૂપમાં ઊભરી રહી છે એમ જણાવી રાષ્ટ્રપતિશ્રી અને રાજ્યપાલશ્રીને આવકાર્યા હતા. 

SVNITના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેનશ્રી ભીમસિંઘજીએ પ્રાસંગિક ઉદબોધન કરી સંસ્થાની સિદ્ધિઓ અને રૂપરેખા વર્ણવી હતી. 

આ પ્રસંગે સહકાર અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, ઈ. પોલીસ કમિશનર વાબાંગ જમીર, રજિસ્ટ્રાર ડો.પ્રમોદ માથુર, એકેડેમી ડીન હિતેશ જરીવાલા, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજ સેવક ગોવિંદભાઈ ધોળકિયા સહિત પદવીપ્રાપ્ત વિદ્યાર્થીઓ, સેનેટ અને BoG મેમ્બર્સ તેમજ તેમના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા.